Three friends drowned: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સૂરજ ગામમાં જન્માષ્ટમીના પાવન પર્વે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. ગામમાં યોજાયેલા મેળાની મજા માણ્યા બાદ તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ યુવાન મિત્રો પાણીમાં ડૂબી જતાં કરુણ મોતને ભેટ્યા હતા. ઘટનાના પગલે સૂરજ ગામ સહિત મૃતક યુવકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે અને તહેવારની ખુશી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ છે.
જન્માષ્ટમીના મેળામાં આવવા આમંત્રણ આપ્યું
મળતી માહિતી મુજબ, સૂરજ ગામના રહેવાસી અશ્વિન ઠાકોરે કડીની ખાનગી કંપનીમાં પોતાની સાથે કામ કરતા મિત્રોને જન્માષ્ટમીના મેળામાં આવવા આમંત્રણ આપ્યું હતું. જેના પગલે કડીમાં રહેતા નરેશ રાઠોડ (21) અને શિવકુમાર શર્મા (24) સૂરજ ગામે આવ્યા હતા. ત્રણેય મિત્રોએ સાથે મળીને મેળાની મજા માણી હતી. ત્યારબાદ સાંજના સમયે તેઓ ગામની સીમમાં આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા, જ્યાં પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતાં ત્રણેય ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
રેસ્ક્યુ તથા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
ઘટનાની જાણ થતાં ગામના સરપંચે તાત્કાલિક કડી પોલીસ અને મહેસાણા ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસ ટીમ અને ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મોડી રાત સુધી સઘન રેસ્ક્યુ તથા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર ટીમે તળાવમાંથી ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. કડી પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જન્માષ્ટમીના પવિત્ર દિવસે બનેલી આ કરુણ ઘટનાથી મૃતક યુવકોના પરિવારજનોમાં આક્રંદ ફેલાયો છે. એક સાથે ત્રણ મિત્રોના મોતથી સૂરજ ગામમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.








