Gandhinagar News: ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એકલતા અને બેદરકારીનો લાભ લઈને આચરવામાં આવેલી મોટી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. સેક્ટર-7 માં રહેતા 75 વર્ષીય વૃદ્ધ રમણલાલ ઠક્કરના ઘરમાંથી રૂ. 33.27 લાખના સોનાના બિસ્કિટ, રોકડ રકમ સહિતની કિંમતી મત્તા ચોરી કરનાર ઘરઘાટી મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી મહિલાએ ઘરમાં રહેલી માનસિક દિવ્યાંગ દીકરીની એકલતાનો લાભ ઉઠાવીને ચોરીનો આ ગુનો આચર્યો હતો.
ઉતાવળમાં વૃદ્ધે લોકરની ચાવી લટકતી મૂકી દીધી
આ ચોરીની ઘટના ગત તા. 21 સપ્ટેમ્બરના રોજ બની હતી. ફરિયાદી રમણલાલ ઠક્કર સવારે બેંકમાંથી રૂ. 1 લાખ અંગત ખર્ચ માટે લઈને આવ્યા હતા, જે તેમણે બેડરૂમના ફર્નિચરવાળા લોકરમાં મૂક્યા હતા. દવા અને નાસ્તો લેવા માટે શોપિંગ સેન્ટર ખાતે જવા માટેની ઉતાવળમાં તેઓ લોકરને લોક કરવાનું ભૂલી ગયા હતા અને ચાવી પણ લોકર પર જ લટકતી મૂકીને નીકળી ગયા હતા. તે સમયે ઘરમાં માત્ર તેમની 43 વર્ષીય માનસિક દિવ્યાંગ દીકરી હાજર હતી.
સોનાના બિસ્કિટ અને રોકડની ચોરી
રમણલાલ ઠક્કર શોપિંગ કરીને પરત આવ્યા અને બેડરૂમમાં જઈને જોયું તો, લોકરની ચાવી ત્યાં જ લટકતી હતી પરંતુ અંદર રાખેલો કિંમતી સામાન ગાયબ હતો. તપાસ કરતાં રૂ. 29.90 લાખની સોનાની લગડીઓ અને દાગીના, રૂ. 31,970ના ચાંદીના સિક્કા, રૂ. 1 લાખ રોકડા સહિત કુલ રૂ. 31 લાખથી વધુની મત્તાની ચોરી થઈ હોવાનું જણાયું. ઘરઘાટી અલ્પાબેન દત્તે જ ચોરી કરી હોવાની વૃદ્ધને શંકા ગઈ, કારણ કે તે સિવાય બીજું કોઈ ઘરમાં આવ્યું નહોતું.
શંકાના આધારે પોલીસે ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કર્યો
રમણલાલે આ મામલે તાત્કાલિક સેક્ટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ગાંધીનગર LCB ના પીઆઈ એચ. પી. પરમારની ટીમે આ કેસને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી. LCB એ સૌ પ્રથમ શંકાના દાયરામાં રહેલી ઘરઘાટી અલ્પાબેન રાજેશભાઈ દત્ત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પોલીસે બાતમી અને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સ થકી તપાસનો દોર શરૂ કર્યો, જે આખરે સફળ રહ્યો.
LCB એ ઘરઘાટી મહિલાને ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો
બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આખરે ઘરઘાટી મહિલા અલ્પાબેન રાજેશભાઈ દત્ત (રહે. સેક્ટર-7 બી, ગાંધીનગર)ને તેના નિવાસસ્થાનેથી ઝડપી લીધી હતી. આકરી પૂછપરછમાં મહિલા ભાંગી પડી હતી અને તેણે ચોરીની કબૂલાત કરી હતી. મહિલાએ દિવ્યાંગ દીકરીની હાજરીમાં તકનો લાભ લઈને આ ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું.
34.69 લાખનો ચોરાયેલો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપી અલ્પાબેન દત્ત પાસેથી ચોરાયેલો તમામ મુદ્દામાલ હેમખેમ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 999 શુદ્ધતાવાળી વિવિધ સાઇઝ અને આકારની લગડીઓ કી રૂ. 33,27,636, 50 ગ્રામ ચાંદીની લગડી, 4 નંગ ચાંદીના બાઉલ અને રોકડા રૂ. 94,500 મળીને કુલ રૂ. 34.69 લાખની મત્તાનો સમાવેશ થાય છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








