Old age homes in gujarat: ગુજરાતમાં સંયુક્ત પરિવારની પરંપરાગત વ્યવસ્થામાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે અને તેની સીધી અસર હવે વૃદ્ધોના જીવન પર પણ જોવા મળી રહી છે. સંતાનો નોકરી-ધંધા માટે અન્ય શહેરો કે વિદેશમાં સ્થાયી થતા માતા-પિતા એકલવાયા બની રહ્યા છે. આવી સ્થિતિમાં વૃદ્ધાશ્રમ હવે માત્ર નિરાધાર લોકો માટેનું આશ્રયસ્થાન પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ સીનિયર કેર હોમ્સ, આસિસ્ટેડ લિવિંગ અને સ્પેશિયલ કેર સેન્ટર જેવા નવા વિકલ્પો પણ ઝડપથી વધી રહ્યા છે. અમદાવાદમાં અખબારનગર, વાડજ, નારણપુરા અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં સીનિયર લિવિંગ માટે બંગલા અને ટેનામેન્ટની માંગ વધતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બે વર્ષમાં 140થી વધુ નવી સંસ્થાઓ ઉમેરાઈ
2026ના બિઝનેસ-લિસ્ટિંગ ડેટા મુજબ ગુજરાતમાં આશરે 376 જેટલા પ્રાઇવેટ અને સંસ્થાકીય વૃદ્ધાશ્રમ, સીનિયર લિવિંગ અને કેર સેન્ટરો લિસ્ટેડ છે. બે વર્ષ અગાઉના અહેવાલોમાં આ સંખ્યા 235થી વધુ હતી. એટલે કે બે વર્ષના સમયગાળામાં આશરે 140 નવી સંસ્થાઓ ઉમેરાઈ હોવાનું આંકડાઓ દર્શાવે છે. આ ગણતરી પ્રમાણે સરેરાશ પાંચ દિવસના સમયગાળામાં વૃદ્ધોની સંભાળ સાથે જોડાયેલી એક નવી સંસ્થા ઉમેરાતી હોવાનો અંદાજ છે.
અમદાવાદ બન્યું વૃદ્ધ સંભાળનું સૌથી મોટું કેન્દ્ર
વૃદ્ધ સંભાળ સાથે જોડાયેલી સંસ્થાઓના લિસ્ટિંગમાં અમદાવાદ સૌથી આગળ છે. 2026ના ઉપલબ્ધ ડેટા મુજબ અમદાવાદમાં આશરે 86, સુરતમાં 63, વડોદરામાં 48, રાજકોટમાં 23 અને જૂનાગઢમાં 17 સંસ્થાઓ લિસ્ટેડ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરોમાં મળીને આશરે 220 સંસ્થાઓ નોંધાયેલી છે. અમદાવાદમાં અગાઉ માત્ર 15 જેટલા વૃદ્ધાશ્રમ હોવાનું જણાવાતું હતું, જે બાદમાં 42 સુધી પહોંચ્યા હતા અને હવે વિવિધ ડિરેક્ટરીઓમાં 86 જેટલી સંસ્થાઓનું લિસ્ટિંગ જોવા મળે છે. તેમાં ઓલ્ડ એજ હોમ, આસિસ્ટેડ લિવિંગ, સીનિયર કેર હોમ અને સ્પેશિયલ કેર સેન્ટર જેવા વિવિધ પ્રકારનો સમાવેશ થાય છે.
સામાજિક જરૂરિયાતમાંથી વિકસતું નવું સર્વિસ સેક્ટર
ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગની સત્તાવાર યાદીમાં પણ અમદાવાદ ઉપરાંત ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, દાહોદ, નર્મદા, પંચમહાલ, પાટણ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમોની વિગતો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. બદલાતી જીવનશૈલી, સંતાનોનું વિદેશ કે અન્ય શહેરોમાં સ્થળાંતર અને એકલવાયા જીવનના વધતા પ્રમાણને કારણે વૃદ્ધોની સંભાળનો પ્રશ્ન વધુ મહત્વનો બન્યો છે. આ સામાજિક પરિવર્તન વચ્ચે વૃદ્ધોની રહેવાની અને સંભાળની સુવિધાઓ હવે એક અલગ પ્રકારના સર્વિસ સેક્ટર તરીકે પણ વિકસતી જોવા મળી રહી છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં વૃદ્ધાશ્રમોની સ્થિતિ
24 સપ્ટેમ્બર 2026 સુધીના આપવામાં આવેલા આંકડા મુજબ અમદાવાદમાં 86, સુરતમાં 63, વડોદરામાં 48, રાજકોટમાં 23 અને જૂનાગઢમાં 17 વૃદ્ધાશ્રમ અથવા સીનિયર કેર સંસ્થાઓ લિસ્ટેડ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના ચાર શહેરોમાં મળીને આ સંખ્યા આશરે 220 થાય છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં વિવિધ ડિરેક્ટરીઓ મુજબ આશરે 376 સંસ્થાઓનું લિસ્ટિંગ છે. આ આંકડાઓ ગુજરાતમાં વૃદ્ધ સંભાળની બદલાતી જરૂરિયાત અને સંયુક્ત પરિવાર વ્યવસ્થામાં થઈ રહેલા પરિવર્તન તરફ સંકેત આપે છે.








