Ahmedabad Accident News: અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલી 12 વર્ષની બાળકીનું ગમખ્વાર અકસ્માતમાં મોત થયું છે. આરાધ્યા બારોટ પોતાની માતા સાથે એક્ટિવા પર ઘરે જઈ રહી હતી ત્યારે ડમ્પર (GJ 24 X 5130)એ એક્ટિવાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બાળકીનું માતાની નજર સામે જ મોત થયું હતું, જ્યારે માતાનો આબાદ બચાવ થયો હતો.
સ્કૂલેથી ઘરે જતી વખતે બન્યો અકસ્માત
મળતી માહિતી મુજબ, આરાધ્યા બારોટ સ્કૂલેથી છૂટ્યા બાદ પોતાની માતા સાથે એક્ટિવા પર ઘરે જઈ રહી હતી. આ દરમિયાન થલતેજ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાળકી નીચે પટકાઈ હતી અને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોતાની નજર સામે દીકરીનું મોત થતાં માતા પર આભ તૂટી પડ્યું હતું. અકસ્માતમાં માતાને કોઈ ઈજા થઈ નહોતી.
ડમ્પર અંગે ચોંકાવનારી માહિતી સામે આવી
અકસ્માતમાં સામેલ ડમ્પર GJ 24 X 5130 અંગે ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે. સ્થાનિક માહિતી મુજબ, આ ડમ્પર અગાઉ પણ એક અકસ્માતમાં બે લોકોના મોતનું કારણ બન્યું હતું. એક જ ડમ્પર સાથે અગાઉ પણ જીવલેણ અકસ્માત થયાની માહિતી સામે આવતા હવે આ મામલે પણ અનેક સવાલો ઊભા થયા છે. અકસ્મતની જાણ થતાં જ એસ.જી.-1 ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની સ્થળ પરથી ધરપકડ કરી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં થયો અને ડમ્પર ચાલકની બેદરકારી હતી કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.








