Tarnetar Fair 2026: સુરેન્દ્રનગરના થાનમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો આજથી 14 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વર્ષે 'સોડમ પુરાતન પાંચાળની' થીમ સાથે યોજાઈ રહેલા મેળામાં લોકસંગીત, રાસ-ગરબા, દુહા-છંદ અને લોકસંસ્કૃતિની સાથે રમતગમતનો પણ અનોખો સંગમ જોવા મળશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 21મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. ઋષિ પંચમીના દિવસે અઢીથી ત્રણ લાખ લોકો મેળામાં ઉમટી પડે તેવી શક્યતા છે.
14થી 17 સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો
ભાદરવા સુદ ત્રીજ-ચોથના દિવસે આજે સવારે ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે મેળાનો પ્રારંભ થયો છે. 15 સપ્ટેમ્બરના દિવસે મેળામાં રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ જામશે. તરણેતરના મેળાની આગવી ઓળખ ગણાતા ટીટોડો અને હૂડારાસ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. 16 સપ્ટેમ્બરે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ બાવન ગજની ધજાનું ધ્વજારોહણ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે મંદિરની ત્રણ દિશામાં આવેલા કુંડમાં સ્નાનનું પણ વિશેષ મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી યોજાશે. 17 સપ્ટેમ્બરે સવારે ત્રિનેત્રેશ્વર મહાદેવની આરતી બાદ બપોરે 12 વાગ્યે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા ધ્વજારોહણ સાથે તરણેતર લોકમેળા-2026ની પૂર્ણાહુતિ થશે.
3 દિવસીય ગ્રામીણ ઓલિમ્પિકમાં અનેક રમતો
14, 15 અને 16 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ગ્રામીણ ઓલિમ્પિકમાં 100, 200, 400 અને 800 મીટરની દોડ, લાંબી કૂદ, ગોળાફેંક અને 4x100 મીટર રિલે જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત લંગડી, કબડ્ડી અને વોલીબોલ જેવી રમતોમાં પણ ખેલાડીઓ ભાગ લેશે. પરંપરાગત રમતોને પણ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. બહેનો માટે માટલા દોડ, ભાઈઓ માટે નારિયેળ ફેંક, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, સાતોડી અને સ્ટ્રોન્ગેસ્ટમેન જેવી રમતો ખાસ આકર્ષણ બનશે. કુસ્તીમાં અલગ-અલગ વજન જૂથમાં સ્પર્ધા યોજાશે, જ્યારે રસ્સાખેંચમાં 10 ખેલાડીઓની ટીમો ભાગ લેશે. ગ્રામ્ય વિસ્તારોની રમતપ્રતિભાને મોટું મંચ મળે તે આ આયોજનનો મુખ્ય હેતુ છે.
વિજેતાઓને રોકડ પુરસ્કાર મળશે
ગ્રામીણ ઓલિમ્પિકની વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે આવનારને રૂ.25,000, દ્વિતીય ક્રમે આવનારને રૂ.20,000 અને તૃતીય ક્રમે આવનારને રૂ.15,000નું ઈનામ આપવામાં આવશે. બાળદગાડ શણગાર-રેસમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને રૂ.5,000ની પ્રોત્સાહન રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ આયોજનથી ગ્રામ્ય યુવાનોમાં રમતગમત, તંદુરસ્તી, શિસ્ત અને ટીમવર્કને પ્રોત્સાહન મળવાની સાથે પરંપરાગત રમતોને પણ નવી ઓળખ મળશે.
લોકપરંપરા અને પ્રવાસનનું આગવું કેન્દ્ર
તરણેતરનો મેળો ઝાલાવાડની લોકપરંપરા, લોકકલા અને ગ્રામ્ય જીવનશૈલીનું આગવું પ્રતિબિંબ છે. સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે મળેલા પ્રોત્સાહનથી મેળાને વૈશ્વિક ઓળખ મળી છે. હવે ગ્રામીણ ઓલિમ્પિક, પરંપરાગત રમતો અને પશુ પ્રદર્શન જેવા કાર્યક્રમોને કારણે તરણેતર મેળો લોકસંસ્કૃતિ, રમતગમત અને પ્રવાસનના ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખ મેળવી રહ્યો છે.
પુરાણ અને મહાભારત સાથે જોડાયેલી માન્યતાઓ
તરણેતરનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ અનેક પૌરાણિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. સ્કંદપુરાણની માન્યતા મુજબ ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને પ્રસન્ન કરવા અહીં તપસ્યા કરી હતી. શિવલિંગની પૂજા દરમિયાન એક કમળ ઓછું પડતાં વિષ્ણુએ પોતાનું જમણું નેત્ર કમળ તરીકે અર્પણ કર્યું હતું. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવ પ્રગટ થયા અને વિષ્ણુનું નેત્ર પોતાના કપાળ પર ધારણ કર્યું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા અને લોકમાન્યતા મુજબ સમય જતાં ત્રિનેત્રેશ્વરનું અપભ્રંશ થઈ ‘તરણેતર’ નામ પડ્યું. તરણેતર અને પાંચાળભૂમિ સાથે મહાભારતકાળની દ્રૌપદીના સ્વયંવરની લોકવાયકા પણ જોડાયેલી છે. માન્યતા મુજબ અહીં અર્જુને કુંડના પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈ તેની આંખ વીંધી હતી અને દ્રૌપદીને પામ્યા હતા. દ્રૌપદીના અન્ય નામ ‘પાંચાલી’ પરથી આ વિસ્તારને પાંચાળભૂમિ તરીકે ઓળખવામાં આવતો હોવાની પણ લોકવાયકા છે.








