Swachh Vayu Survekshan 2026: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2026ના પરિણામોમાં દેશના મોટા શહેરોમાં હવાની ગુણવત્તા અને પર્યાવરણ સુધારણામાં નોંધપાત્ર પ્રદર્શન સામે આવ્યું છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા કેટેગરી-1માં ઉત્તર પ્રદેશનું લખનૌ 198 સ્કોર સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. મધ્ય પ્રદેશના ઇન્દોરે 197 સ્કોર સાથે બીજું અને જબલપુરે 195 સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ભોપાલ અને આગ્રા 192 સ્કોર સાથે ચોથા ક્રમે રહ્યા છે.
સુરત 191 સ્કોર સાથે દેશભરમાં પાંચમા ક્રમે
ગુજરાતના શહેરોએ પણ આ સર્વેક્ષણમાં શાનદાર પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. સુરત 191 સ્કોર સાથે દેશભરમાં પાંચમા ક્રમે રહ્યું છે. રાજકોટ 187 સ્કોર સાથે થાણે અને ચંદીગઢની સાથે સંયુક્ત રીતે સાતમા ક્રમે આવ્યું છે. અમદાવાદે 186 સ્કોર સાથે આઠમું સ્થાન મેળવ્યું છે, જ્યારે વડોદરા 179 સ્કોર સાથે 15મા ક્રમે રહ્યું છે. આ રીતે ગુજરાતના ચારેય મુખ્ય મહાનગરોએ ટોપ-15માં સ્થાન મેળવ્યું છે.
રાજ્ય સ્તરના વોર્ડ રેન્કિંગમાં ભલામણ અથવા એવોર્ડ મળ્યા
વોર્ડ સ્તરે પણ ગુજરાતના શહેરોને મહત્વનું સ્થાન મળ્યું છે. અમદાવાદના થલતેજ વોર્ડને તેમજ રાજકોટના વોર્ડ નંબર-2 અને વોર્ડ નંબર-5ને રાજ્ય સ્તરના વોર્ડ રેન્કિંગમાં ભલામણ અથવા એવોર્ડ મળ્યા છે. વાહન પ્રદૂષણ ઘટાડવા, ગ્રીન કવર વધારવા અને શહેરોમાં ધૂળ નિયંત્રણ માટે કરવામાં આવેલા વિવિધ પ્રયાસોને ગુજરાતના આ પ્રદર્શન પાછળનું મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે.
ઓડિશાનું રાઉરકેલા 198.5 સ્કોર સાથે પ્રથમ રહ્યું
સર્વેક્ષણની અન્ય કેટેગરીમાં પણ દેશના વિવિધ શહેરોએ સારો દેખાવ કર્યો છે. 3થી 10 લાખની વસ્તી ધરાવતી કેટેગરી-2માં ઓડિશાનું રાઉરકેલા 198.5 સ્કોર સાથે પ્રથમ રહ્યું છે, જ્યારે ફિરોઝાબાદ અને ગુન્ટુર 195 સ્કોર સાથે સંયુક્ત બીજા ક્રમે રહ્યા છે. 3 લાખથી ઓછી વસ્તીવાળી કેટેગરી-3માં ઓડિશાનું કલિંગા નગર 198.5 સ્કોર સાથે પ્રથમ અને અંગુલ 196.5 સ્કોર સાથે બીજા ક્રમે રહ્યું છે.








