Surendranagar water leakage issue: સુરેન્દ્રનગર શહેરના નવા જંક્શન રોડ વિસ્તારમાં આવેલા શક્તિપરા નાકા પાસે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં છેલ્લા એક મહિનાથી ભારે લીકેજ જોવા મળી રહ્યું છે. આ લીકેજના કારણે એક તરફ કિંમતી પીવાના પાણીનો મોટાપાયે વ્યય થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ ગંદું પાણી પીવાના પાણી સાથે ભળતા સ્થાનિક રહીશો માટે ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ ન લાવવામાં આવતા અંતે સ્થાનિકોએ રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, નવા જંક્શન રોડ પર આવેલી પીવાના પાણીની લાઇનમાં લાંબા સમયથી તિરાડ પડી છે. આ તિરાડમાંથી સતત પાણી બહાર વહી રહ્યું છે, જેના કારણે રોડ પર કાદવ અને ગંદકી ફેલાઈ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગટરના ગંદા પાણી સાથે પીવાના પાણીની લાઇન મિક્સ થવાની શક્યતા વધી ગઈ છે. પરિણામે અનેક ઘરોમાં ગંદું અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.
સ્થાનિકોમાં ભારે રોષ
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, આ સમસ્યાના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં પેટના દુખાવા, તાવ, ઉલટી-દસ્ત જેવી બીમારીઓ વધતી જોવા મળી છે. કેટલાક પરિવારોમાં તો માંદગીના ખાટલા ભરાયા હોવાની સ્થિતિ સર્જાઈ છે. આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું હોવા છતાં જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ સ્થિતિથી કંટાળીને આજે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો રોડ પર એકત્ર થયા હતા અને નગરપાલિકા તથા પાણી પુરવઠા વિભાગ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ તાત્કાલિક લીકેજ બંધ કરી પાણીનો વેડફાટ અટકાવવાની સાથે શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન રસ્તા પર ટ્રાફિક પણ થોડા સમય માટે અવરોધિત થયો હતો.
બાળકો બીમાર પડી રહ્યા છે: સ્થાનિક રહેવાસી
સ્થાનિક રહેવાસી આરતીબેન ભરવાડે જણાવ્યું હતું કે, "છેલ્લા એક મહિનાથી અમે સતત ફરિયાદો કરી રહ્યા છીએ, પરંતુ કોઈ સાંભળતું નથી. ઘરમાં આવતું પાણી પીવા લાયક રહ્યું નથી. બાળકો બીમાર પડી રહ્યા છે, છતાં તંત્ર બેદરકાર છે." બીજા એક સ્થાનિક રહેવાસી લાલાભાઈ સાનિયાએ કહ્યું હતું કે, "પાણીની લાઇનમાંથી રોજ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. એક તરફ પાણીની અછત છે અને બીજી તરફ આવી બેદરકારી. તાત્કાલિક સમારકામ નહીં થાય તો અમારે આંદોલન વધુ ઉગ્ર બનાવવું પડશે."








