Surendranagar Panchayat Chairman attack: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સત્તાધારી પક્ષના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર પંચાયતના જ વર્ગ-3ના કર્મચારી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. વિકાસ કામોની ફાઇલને લઈને ઉદ્ભવેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં જિલ્લા સ્તરે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, લીંબડી તાલુકાના જાંબડી ગામના સરપંચ વનરાજભાઈ રોજાસરાએ કારોબારી ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી કે ગામના વિકાસ કાર્યો માટેની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ હોવા છતાં વહીવટી મંજૂરીની પ્રક્રિયા અટકેલી છે. સરપંચનો આક્ષેપ હતો કે, સંબંધિત ફાઇલ વર્ગ-3ના કર્મચારી મહાવીર ડાયમા પાસે અટવાઈ છે અને તે ફાઇલ આગળ ધપાવવા માટે રૂ. 50 હજારની માંગણી કરી રહ્યા છે.
પ્લાસ્ટિકની લાકડી વડે ચેરમેન પર હુમલો
આ રજૂઆતના પગલે ચેરમેન જશુભા સોલંકીએ મહાવીર ડાયમાને પોતાના કાર્યાલયમાં બોલાવી આક્ષેપ અંગે સ્પષ્ટતા માંગેલી. ચર્ચા દરમિયાન કર્મચારી ઉશ્કેરાઈ ગયો હોવાનું કહેવાય છે. સૂત્રો મુજબ, તેણે "પૈસા તો આપવા જ પડશે, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો" જેવા શબ્દોમાં જવાબ આપ્યો હતો. વાતચીત દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું. પછી જ્યારે ચેરમેન ઓફિસ બહાર નીકળ્યા, ત્યારે આરોપ છે કે કર્મચારી મહાવીર ડાયમાએ ઉગ્ર વર્તન કરતાં ગાળો આપી અને પ્લાસ્ટિકની લાકડી વડે ચેરમેન પર પ્રહાર કર્યો હતો. આ ઘટના સમયે શાસક પક્ષના નેતા મોહનભાઈ દોરીયા અને ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા સહિત અન્ય લોકો પણ હાજર હતા. અચાનક બનેલી આ ઘટનાથી સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો
હુમલાની જાણ થતાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેકૃષ્ણ પટેલ સહિતના અનેક સભ્યો અને આગેવાનો સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકે પહોંચી ગયા હતા. જોકે, પ્રાથમિક તબક્કે પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હોવાની ચર્ચા છે. સૂત્રો અનુસાર, સ્થાનિક ધારાસભ્યના હસ્તક્ષેપ બાદ પોલીસ દ્વારા લેખિત અરજી સ્વીકારવામાં આવી હતી.
અગાઉ પણ ચેરમેન પર હુમલાની ઘટના બની હતી
હાલ સુધી માત્ર લેખિત ફરિયાદ લેવાઈ છે અને એફઆઈઆર નોંધાઈ છે કે નહીં તે અંગે સત્તાવાર પુષ્ટિ મળી નથી. આ ઘટનાએ જિલ્લા પંચાયતના પદાધિકારીઓમાં સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરી છે. અગાઉ પણ આઈસીડીએસ વિભાગના એક ચેરમેન પર હુમલાની ઘટના બની હતી, જેના કારણે હવે વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
રાજકીય તેમજ વહીવટી સ્તરે ચર્ચાઓ તેજ
જિલ્લા સ્તરે આ બનાવને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. જો આ મામલે ઝડપી અને કડક પગલાં નહીં લેવામાં આવે તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ તંગ બની શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાક્રમને લઈને રાજકીય તેમજ વહીવટી સ્તરે ચર્ચાઓ તેજ બની છે.








