Surat Hotfix Waste Controversy: સુરત શહેરમાં હોટફિક્સ ઉદ્યોગમાંથી નીકળતા પ્લાસ્ટિક કચરાના નિકાલ અંગેનો વિવાદ હવે અત્યંત ગંભીર વળાંક લઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે માત્ર રસ્તા પરથી કચરો સાફ કરવા કે નાના યુનિટોને નોટિસ આપવા પૂરતી કામગીરી સીમિત રાખવામાં આવી નથી. પાલિકા તંત્ર દ્વારા આ પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં ક્યાંથી ઘૂસ્યું અને કયા સપ્લાયર્સ દ્વારા હોટફિક્સ યુનિટો સુધી પહોંચાડવામાં આવ્યું તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે પાલિકા દ્વારા મોટી માત્રામાં હોલસેલ વેપારીઓ અને મુખ્ય વિતરકોના ગોડાઉનો પર દરોડા પાડી સીલિંગની કાર્યવાહી હાથ ધરી છે.
પર્યાવરણ અને ફાયર સેફ્ટી સામે મોટું જોખમ
તંત્રની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હોટફિક્સ ક્ષેત્રે વપરાતું પ્લાસ્ટિક સરકારી નિયમો મુજબ પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે. આ પ્લાસ્ટિકની મૂળ જાડાઈ આશરે 22 માઇક્રોન જેટલી હોય છે અને તેના પર ગુંદરનું સ્તર લગાવ્યા બાદ તે લગભગ 33 માઇક્રોન સુધી પહોંચે છે. ગુંદર જ્વલનશીલ હોવાથી તેનો કચરો ખુલ્લામાં ફેંકાયા બાદ સહેલાઈથી આગ પકડી લે છે. પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ જેવા વિસ્તારોમાં જાહેર સ્થળોએ આ કચરો ઠલવાતા આગના અવારનવાર બનાવો બની રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય અને સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે.
આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક
જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કડક પગલાં લેવાની સ્થાનિક કોર્પોરેટરો અને નાગરિકોની માગ વચ્ચે હવે રાજ્ય સરકાર પણ સીધી હરકતમાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરની સ્વચ્છતા, પર્યાવરણની સુરક્ષા અને આગની ઘટનાઓ રોકવા માટે કાયમી નિકાલના વિવિધ વિકલ્પો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે કચરાનું યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપન થાય તે દિશામાં ઝડપી કામગીરી કરવામાં આવે.
નાના કારીગરોના રોજગાર પર અસર ન થાય તેવો વ્યવહારુ ઉકેલ
ઔદ્યોગિક નિયમો અનુસાર હોટફિક્સ કચરાના સલામત નિકાલની જવાબદારી જે-તે ઉદ્યોગની હોય છે. જોકે રહેણાંક વિસ્તારોમાં નાના પાયે ચાલતા ગૃહઉદ્યોગો અને નાના કારીગરો માટે કચરાનો વૈજ્ઞાનિક નિકાલ કરવો આર્થિક રીતે મુશ્કેલ બની રહ્યો છે. તંત્ર દ્વારા જો માત્ર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો હજારો નાના વેપારીઓ અને શ્રમિકોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મંત્રીએ પાલિકાને સૂચન કર્યું છે કે નાના પરિવારોની આજીવિકા પર વિપરીત અસર ન પડે તેવો વ્યવહારુ અને સંતુલિત ઉકેલ શોધવામાં આવે.
અલગ પ્લોટ અને કાયમી પ્રોસેસિંગ પ્લાન્ટ અંગે વિચારણા
હોટફિક્સ અને પ્લાસ્ટિક કચરાના કાયમી નિકાલ માટે પાલિકા દ્વારા અલગ પ્લોટ ફાળવવા તેમજ કચરાના પ્રોસેસિંગ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવા અંગે ગંભીરતાથી કવાયત શરૂ કરવામાં આવી છે. એક તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગેરકાયદેસર આયાતકારો અને સપ્લાયર્સ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે, તો બીજી તરફ નાના યુનિટોમાંથી નીકળતા કચરાને એકત્રિત કરી તેનો પર્યાવરણને અનુકૂળ રીતે નાશ કરવા માટેનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. તંત્ર આશા સેવી રહ્યું છે કે આ પગલાંથી સુરતની સ્વચ્છતા પણ જળવાઈ રહેશે અને રોજગાર પર પણ કોઈ સંકટ નહીં આવે.








