Surat Husband Caught With Girlfriend: સુરતમાં પતિ, પત્ની અને પ્રેમિકાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરાછા-અશ્વિનીકુમાર રોડ પર આવેલી હીરાની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા યુવકને પોતાની જ ઓફિસમાં ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. 1 નવેમ્બરની મધરાતે પોણા ત્રણ વાગ્યે યુવક યુવતીને બાઇક પર બેસાડીને નીકળ્યો ત્યારે પત્ની અને સાસરી પક્ષના સભ્યોએ તેનો પીછો કર્યો હતો. કતારગામ GIDC ચાર રસ્તા પાસે પરિવારે કાર આડી નાખીને બાઇક રોકી દીધી હતી. ત્યારબાદ પત્નીએ પતિને ચંપલથી ફટકાર્યો હતો, જ્યારે યુવતીના વાળ ખેંચીને તેને પણ માર મારવામાં આવ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
શંકા જતાં પત્નીએ પતિનો પીછો કર્યો, કાર આડી નાખી બાઇક રોકી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમરોલીમાં રહેતો 30 વર્ષીય યુવક અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક હીરાની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તેની સાથે જ કંપનીમાં 27 વર્ષીય યુવતી ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાત સામે આવી છે. પતિની હરકતો પર પત્નીને ઘણા સમયથી શંકા હતી. 1 નવેમ્બરની મધરાતે આશરે પોણા ત્રણ વાગ્યે પતિ યુવતીને બાઇક પર બેસાડીને નીકળ્યો હતો. આ દરમિયાન પત્ની, સાસુ અને સાળી સહિતના પરિવારજનો કાર લઈને તેની પાછળ ગયા હતા. કતારગામ GIDC ચાર રસ્તા પાસે પહોંચતાં જ પરિવારજનોએ કાર બાઇકની આગળ આડી નાખી હતી અને બંનેને રોકી લીધાં હતાં. આમ, પત્નીએ પતિને યુવતી સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો.
રસ્તા વચ્ચે પત્નીએ ચંપલથી ફટકાર્યો, યુવતીના વાળ ખેંચ્યા
પતિને અન્ય યુવતી સાથે જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ હતી. ત્યારબાદ કતારગામના રસ્તા પર જ મારામારી શરૂ થઈ હતી. પત્નીએ પતિને જાહેરમાં ચંપલથી માર માર્યો હતો. સાથે આવેલા સંબંધીઓએ દંડા વડે પણ યુવકની ધોલાઈ કરી હતી. આ દરમિયાન બાઇક પર પાછળ બેઠેલી યુવતીને પણ નીચે ખેંચવામાં આવી હતી. મહિલાઓએ તેના વાળ પકડીને માર માર્યો હતો. ઘટનાસ્થળે ભારે હોબાળો મચી ગયો હતો. પરિવારના સભ્યો આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં ઉતારતા પણ જોવા મળ્યા હતા.
મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
મધરાતે જાહેર રસ્તા પર થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ઘટનાની ચર્ચા શરૂ થઈ છે. ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. પોલીસે ઘટનામાં સામેલ તમામ લોકોને કતારગામ પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રેમિકાએ પત્ની સહિત ત્રણ મહિલાઓ સામે NC ફરિયાદ નોંધાવી
પોલીસ મથકે પહોંચ્યા બાદ મારનો ભોગ બનેલી 27 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ પોતાના પ્રેમીની પત્ની સહિત ત્રણ મહિલાઓ વિરુદ્ધ જાહેરમાં માર મારવા બદલ એન.સી. (નોન-કોગ્નિઝેબલ) ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ ઘટનામાં યુવતીની ફરિયાદ અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી ચર્ચામાં છે. રસ્તા પર થયેલી મારામારીનો વીડિયો વાઇરલ થયા બાદ સુરતની આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે.








