Surat to Chennai Expressway to reduce travel time: પશ્ચિમ ભારતથી દક્ષિણ ભારત તરફ પ્રવાસ કરતા વાહનચાલકો અને વેપારીઓ માટે એક ખુબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત નિર્માણધીન સુરત-ચેન્નઈ એક્સપ્રેસવે પશ્ચિમ અને દક્ષિણ ભારત વચ્ચે મુસાફરીના સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખશે. હાલમાં સુરતથી ચેન્નઈ પહોંચવામાં રોડ માર્ગે આશરે 36 કલાક જેટલો સમય લાગે છે, પરંતુ આ નવો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા પછી આ સમય ઘટીને માત્ર 16 કલાક થઈ જશે. આમ, મુસાફરોનો અડધાથી પણ વધુ સમય બચશે અને મુસાફરી ખુબ જ આરામદાયક બની રહેશે.
એક સાથે 5 થી વધુ રાજ્યોને જોડતી આર્થિક લાઈફલાઈન
આ મહત્વાકાંક્ષી 6-લેન હાઈ-સ્પીડ એક્સપ્રેસવે માત્ર બે શહેરોને જ નહીં, પરંતુ દેશના પાંચથી વધુ મહત્વના રાજ્યોને એકસાથે જોડવાનું કામ કરશે. આ કોરિડોર ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાંથી પસાર થશે. આ રાજ્યો વચ્ચે સીધું અને વિઘ્નમુક્ત નેટવર્ક ઊભું થવાથી પ્રાદેશિક કનેક્ટિવિટીમાં મોટો ઉછાળો આવશે અને વિવિધ રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક તથા આર્થિક આદાન-પ્રદાન વધુ મજબૂત બનશે.
રૂટમાં સુધારો અને અંતરમાં નોંધપાત્ર ઘટાડો
અગાઉ આ એક્સપ્રેસવે પ્રોજેક્ટ 1,271 કિલોમીટર લંબાઈનો પ્રસ્તાવિત હતો. પરંતુ તાજેતરમાં વહીવટી અને ટેકનિકલ સુધારા કરીને રૂટને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવ્યો છે. રૂટ સુધારા અંતર્ગત સુરત-નાસિક ખંડને અલગ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે, જેના કારણે આ મુખ્ય કોરિડોરની સીધી લંબાઈ આશરે 900 કિલોમીટર જેટલી થશે. આ નવો રૂટ નાસિક-ચેન્નઈ એક્સપ્રેસવે તરીકે પણ ઓળખાશે, જે સુરતથી શરુ થઈને દક્ષિણ ભારત સુધી સીધી અને સુગમ કનેક્ટિવિટી આપશે.
વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિ આવશે
સુરત એ ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગનું વૈશ્વિક હબ છે, જ્યારે ચેન્નઈ એ ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર છે. આ બંને ઔદ્યોગિક શહેરો સીધા હાઈ-સ્પીડ એક્સપ્રેસવેથી જોડાતા લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે. માલસામાનની હેરફેર ઝડપી બનવાથી વેપારીઓ અને ઉદ્યોગકારોને મોટો આર્થિક ફાયદો થશે. આ ઉપરાંત, માર્ગમાં આવતા નાના-મોટા શહેરોમાં નવા ઔદ્યોગિક કોરિડોર અને રોજગારીની નવી તકો ઊભી થશે.
2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું NHAIનું લક્ષ્ય
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યું છે. NHAI એ આ હાઈ-સ્પીડ એક્સપ્રેસવેને વર્ષ 2027 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ હાઈવે પર વાહનોની સ્પીડ મર્યાદા વધારે હોવાથી અને અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હોવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે તથા ઈંધણની પણ મોટાપાયે બચત થશે.








