Surat textile market fire: સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ રાજ ટેક્સટાઈલ માર્કેટમાં બુધવારે અચાનક જ મોટાપાયે આગ લગતા વેપારીઓ અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. માર્કેટના સાતમા અને આઠમા માળેથી નીકળતા આગના ધુમાડાથી જ આગ કેટલી વિકરાળ હોઈ શકે છે તેનું અનુમાન લગાવી શકાય છે.
22થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
આગની જાણ થતાં જ શહેરના ફાયર બ્રિગેડ વિભાગમાંથી સતત મદદ મોકલવામાં આવી હતી. થોડા જ સમયમાં 22થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી હતી અને ફાયરમેનોએ આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો શરૂ કરી દીધો હતો. ઘટનાસ્થળે પોલીસનો કાફલો પણ તરત જ પહોંચી ગયો હતો અને લોકોની ભીડને નિયંત્રિત કરી કામગીરી સરળ બને તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.
આગ કેવી રીતે ફાટી નીકળી?
પ્રાથમિક તપાસ મુજબ આગના મૂળમાં ટેક્સટાઈલ માર્કેટમાં આવેલા ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં ખામી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર અધિકારી ઇશ્વર પટેલે જણાવ્યું કે, ચોક્કસ કારણ શું છે તેની પુષ્ટિ આગ સંપૂર્ણ રીતે શાંત થયા પછી જ મળી શકશે. માહિતી પ્રમાણે આગ ઝડપી ગતિએ ફેલાઈ હોવાથી ઉપરના માળના મોટા ભાગમાં ધુમાડો છવાઈ ગયો હતો, જેના કારણે ફાયરમેનને કામગીરી દરમિયાન મુશ્કેલીઓ પણ પડી રહી છે.
જાનહાનિ ટળી, બચાવ કામગીરી ચાલુ
સૌથી સારા સમાચાર એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. માર્કેટમાં રહેલા વેપારીઓ અને કામદારોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગની ટીમો માર્કેટના દરેક ભાગની તપાસ કરી રહી છે જેથી ક્યાંય કોઈ વ્યકિત ફસાઈ ન હોય તેની ખાતરી થઈ શકે. પોલીસ વિભાગ દ્વારા આસપાસના માર્ગોના ટ્રાફિકને અન્ય રસ્તાઓ તરફ વાળવામાં આવી રહ્યો છે જેથી ફાયર બ્રિગેડની ગાડીઓની અવર–જવર સરળ બને. ઉપરાંત નજીકના લોકોમાં ભય ફેલાય નહીં અને અફરાતફરી ન મચે તે માટે સતત જાહેર સુચનાઓ આપી સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.








