Surat Fire News: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં મધ્યરાત્રિએ ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રાત્રે આશરે 12:50 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને આગ અંગેનો મેસેજ મળતા શરૂઆતમાં છ ફાયર ફાઇટર વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જો, કે આગની ગંભીરતા જોતા તાત્કાલિક 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. હાલ 15થી 20 જેટલા ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે તૈનાત કરી આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.
ભારે ધુમાડા વચ્ચે ફાયર ફાઇટરોને કામગીરીમાં મુશ્કેલી
આગના કારણે સમગ્ર માર્કેટમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ જતાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. રાત્રિના અંધકાર અને ગાઢ ધુમાડા વચ્ચે ફાયર ફાઇટરોને અંદર જઈને કામગીરી કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આ ઉપરાંત માર્કેટના પેસેજમાં મોટી માત્રામાં માલસામાન પડેલો હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને આગ સુધી પહોંચવામાં પણ અડચણો આવી રહી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, પેસેજમાં લાગેલી આગને હાલ નિયંત્રણમાં લેવામાં આવી છે. જોકે, ઊંચાઈ પર લાગેલી આગને બુઝાવવા માટે ટર્નટેબલ લેડર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, વોટર બાઉઝર, ફાયર એન્જિન અને ટેન્કર સહિતના સાધનોની મદદ લેવામાં આવી રહી છે.
4થી 5 દુકાનો આગની ઝપેટમાં
પ્રાથમિક માહિતી મુજબ, ટેક્સટાઇલ માર્કેટની 4થી 5 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમોએ દુકાનોના શટર અને તાળાં તોડીને અંદર પ્રવેશ કરી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. દુકાનોમાં પેકિંગ સામગ્રી તેમજ મોટી માત્રામાં જ્વલનશીલ કાપડનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું જણાઈ રહ્યું છે અને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવવામાં હજુ સમય લાગી શકે છે. ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.








