Surat Police Seize Cobra Venom: સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક અત્યંત ગુપ્ત અને હિંમતભર્યા ઓપરેશનમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર કોબ્રા સાપના ઝેરના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અંદાજે ₹5.85 કરોડની કિંમતનું 6.5 ml કોબ્રા વેનોમ (ઝેર) જપ્ત કર્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કૌભાંડમાં સંડોવાયેલા સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ ઝેર સુરતમાં ઉંચી કિંમતે વેચવાની પેરવીમાં હતા.
પોલીસે ગ્રાહક બની ગોઠવ્યું ફિલ્મી ઢબે છટકું
આ ઓપરેશનની વિગતો કોઈ ક્રાઈમ થ્રિલર ફિલ્મ જેવી છે. SOGના પી.આઈ. એ.પી. ચૌધરી અને પી.એસ.આઈ. આર.એમ. સોલંકીને બાતમી મળી હતી કે એક ટોળકી કરોડોની કિંમતનું સાપનું ઝેર વેચવા માટે સુરત આવી રહી છે. આરોપીઓ અત્યંત સાવધ હોવાથી પોલીસ અધિકારીઓએ પોતે જ ગ્રાહક બનીને તેમની સાથે સંપર્ક સાધ્યો હતો. કરોડો રૂપિયાની લાલચ આપી પોલીસે આરોપીઓને વિશ્વાસમાં લીધા અને સરથાણા જકાતનાકા પાસે આવેલા એક મેરેજ બ્યુરોની ઓફિસમાં મિટિંગ નક્કી કરી હતી. જેવી આ ટોળકી ઝેરના સેમ્પલ સાથે ઓફિસે પહોંચી, કે તરત જ પોલીસે ત્રાટકીને તમામ સાત સભ્યોને રંગેહાથ ઝડપી લીધા હતા.
વડોદરા અને સુરતના સાત આરોપીઓની ધરપકડ
ઝડપાયેલા સાત આરોપીઓમાં વડોદરાના 5 અને સુરતના 2 શખસોનો સમાવેશ થાય છે. પકડાયેલા શખસોની ઓળખ નીચે મુજબ છે:
મનસુખ ઘીનૈયા (67 વર્ષ, સુરત)
ચીમન ભુવા (60 વર્ષ, સુરત)
સમીર પંચાલ (41 વર્ષ, વડોદરા)
પ્રવીણ શાહ (74 વર્ષ, વડોદરા)
કેતન શાહ (50 વર્ષ, વડોદરા)
મકરંદ કુલકર્ણી (54 વર્ષ, વડોદરા)
પ્રશાંત શાહ (40 વર્ષ, વડોદરા)
ગેંગમાં કેટલાક વયોવૃદ્ધ શખસો પણ સામેલ
તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગમાં કેટલાક વયોવૃદ્ધ શખસો પણ સામેલ છે જેઓ લાંબા સમયથી આ નેટવર્ક સાથે સંકળાયેલા હોવાની આશંકા છે.
અમદાવાદના 'સોની' કનેક્શનની તપાસ
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ અત્યંત કિંમતી કોબ્રા વેનોમ અમદાવાદના એક સોની (ઝવેરી) પાસેથી મેળવવામાં આવ્યું હતું. હવે સુરત પોલીસની ટીમ આ 'માસ્ટરમાઈન્ડ' સોનીની ધરપકડ કરવા માટે અમદાવાદમાં દરોડા પાડી રહી છે. સાપના ઝેરનો ઉપયોગ મુખ્યત્વે જીવનરક્ષક દવાઓ અને બ્લડપ્રેશરની સારવારમાં થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો હોવાની આશંકા છે.
ગુજરાતમાં પ્રથમવાર આવડો મોટો પર્દાફાશ
ગુજરાતમાં કોબ્રાના ઝેરની આટલી મોટી હેરાફેરી પકડાઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. 1 ml ઝેરની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં હોવાથી તેને 'લિક્વિડ ગોલ્ડ' પણ કહેવામાં આવે છે. આ કેસ બાદ વન્યજીવ સુરક્ષા અને ગેરકાયદેસર ડ્રગ્સ સપ્લાય ચેઈન અંગે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. સુરત પોલીસ કમિશનરે આ સફળ ઓપરેશન માટે SOGની ટીમને અભિનંદન પાઠવ્યા છે અને આગામી દિવસોમાં આંતરરાજ્ય ગેંગના મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરી છે.








