Surat Accident News: સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામ નજીક મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક જ બાઇક પર સવાર ચાર મિત્રો બ્રિજ પરથી 50 ફૂટથી વધુ નીચે પટકાતાં ત્રણ યુવકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
સેફ્ટી વોલ સાથે અથડાઈ બાઇક, ચારેય નીચે પટકાયા
મળતી માહિતી મુજબ, કુડસદ ગામ નજીક આવેલા બ્રિજ પરથી ચાર મિત્રો એક જ બાઇક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક ચાલકે કાબૂ ગુમાવતાં બાઇક બ્રિજની સેફ્ટી વોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર ચારેય યુવકો બ્રિજ પરથી અંદાજે 50 ફૂટથી વધુ નીચે પટકાયા હતા.
એકનું ઘટનાસ્થળે, બે યુવકોનાં સારવાર દરમિયાન મોત
અકસ્મતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ચોથા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
108ની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી
અકસમાતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવતાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. કીમ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
ઈજાગ્રસ્ત યુવકના નિવેદન બાદ કારણ સ્પષ્ટ થશે
હાલમાં અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની તપાસ ચાલી રહી છે. ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધાયા બાદ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળી શકે છે. એક જ અકસ્માતમાં ત્રણ મિત્રોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે.








