Surat new civil hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં દોઢ મહિનાના ગાળામાં રેસિડન્ટ ડોક્ટરના આપઘાતની બીજી ઘટના સામે આવતા ચકચાર મચી છે. એનાટોમી વિભાગમાં અભ્યાસ કરતા થર્ડ યરના રેસિડન્ટ ડોક્ટર યોગેન્દ્ર પ્રજાપતિનું મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ તેમણે પોતાના હાથની નસ કાપી હતી. તેઓ ડિસેક્શન હોલમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા બાદ તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ વધુ પડતું લોહી વહી જવાના કારણે તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
બપોરથી ગુમ હતા યોગેન્દ્ર, ડિસેક્શન હોલમાં મળ્યા
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. પારુલ વડગામાના જણાવ્યા મુજબ, યોગેન્દ્ર પ્રજાપતિ આજે બપોરે લગભગ 2 વાગ્યાથી ગુમ હતા. ત્યારબાદ તેમના મિત્રો અને શિક્ષકોએ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ડિસેક્શન હોલમાંથી તેઓ ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક ઈમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબી પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પત્ની પણ તબીબ, એક બાળક હોવાનું સામે આવ્યું
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યોગેન્દ્ર પ્રજાપતિ તેમની પત્ની સાથે સુરતમાં રહેતા હતા. તેમની પત્ની હોમિયોપેથીના તબીબ છે અને દંપતીને એક બાળક પણ છે. યોગેન્દ્રની MBBS બાદની ત્રણ વર્ષની રેસિડન્સી પણ પૂર્ણ થવાના તબક્કામાં હતી. છેલ્લા કેટલાક સમયથી તેમના પિતા પણ તેમની સાથે રહેતા હતા, જોકે છેલ્લા ચાર દિવસથી તેઓ તેમની સાથે નહોતા. યોગેન્દ્રએ આ અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું જણાવાયું છે.
રેગિંગની આશંકા અંગે પણ તપાસ
ઘટનાને લઈને મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે થર્ડ યરના રેસિડન્ટ ડોક્ટર દ્વારા હાથની નસ કાપવાના પ્રયાસ અંગે તેમને ફોન મારફતે જાણ થઈ હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક ઈમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડીનના જણાવ્યા મુજબ, આ ગંભીર ઘટના છે અને પોલીસ કાર્યવાહી અંતર્ગત યોગેન્દ્રના મોતનું મૂળ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવશે. તબીબી અધિક્ષકના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક દૃષ્ટિએ રેગિંગ સાથે જોડાયેલું કોઈ કારણ સામે આવ્યું નથી; જોકે અંતિમ વિગતો પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.
દોઢ મહિનામાં બીજી ઘટના બનતા સવાલો ઊભા
નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં ટૂંકા ગાળામાં રેસિડન્ટ ડોક્ટરના મોતની બીજી ઘટના સામે આવતા મેડિકલ વર્તુળમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલ પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. યોગેન્દ્ર પ્રજાપતિએ આ પગલું શા માટે ભર્યું અને તેની પાછળ કોઈ વ્યક્તિગત, પારિવારિક અથવા અન્ય કારણ હતું કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસના તારણો બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.








