Surat Navratri 2026: સુરત શહેરમાં નવરાત્રી 2026ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ મોટા કોમર્શિયલ ગરબા આયોજનોની ફાયર સેફ્ટીને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ફાયર વિભાગ દ્વારા મોટા ગરબા આયોજનો માટે આશરે 30 જેટલી કડક સલામતી શરતો સાથે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી ફાયર NOC માટે માત્ર બે જ અરજીઓ મળી છે. બીજી તરફ શહેરમાં 20થી વધુ મોટા અને કોમર્શિયલ ગરબા મહોત્સવો યોજાવાની શક્યતા છે.
નવરાત્રી નજીક, પરંતુ NOC માટે માત્ર બે અરજી
આગામી 11 ઓક્ટોબરથી નવરાત્રી પર્વનો પ્રારંભ થવાનો છે અને સુરતમાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેસુ, અડાજણ, વરાછા અને કતારગામ સહિતના વિસ્તારોમાં પાર્ટી પ્લોટ, ક્લબ અને વિશાળ ડોમમાં મોટા કોમર્શિયલ ગરબા આયોજનો થવાના છે. શહેર પોલીસ પાસે આશરે 23 કોમર્શિયલ અને ચાર ખુલ્લા મેદાનમાં યોજાનારા આયોજનો માટેની અરજીઓ પહોંચી હોવાનું જણાવાયું છે. જોકે, ફાયર વિભાગના ઓનલાઈન પોર્ટલ પર અત્યાર સુધીમાં માત્ર બે ફાયર NOC અરજીઓ જ આવી છે. ગત વર્ષે ફાયર વિભાગે 16 મોટા આયોજનોને મંજૂરી આપી હતી, જ્યારે આ વર્ષે નવરાત્રી નજીક આવી હોવા છતાં હજુ મંજૂરીનું ખાતું માત્ર બે અરજીઓ સુધી જ પહોંચ્યું છે.
ફાયર વિભાગે જાહેર કરી 30 જેટલી કડક શરતો
મોટા ગરબા આયોજનોમાં એકસાથે હજારો ખેલૈયાઓ અને નાગરિકો એકત્ર થતા હોવાથી આગ, નાસભાગ અથવા અન્ય કોઈ કટોકટીની સ્થિતિમાં સલામતી વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે અગાઉથી જ મોટા આયોજકો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. નિયમો મુજબ 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા અને 9 મીટરથી વધુ ઊંચાઈવાળા પંડાલોમાં, જ્યાં 50થી વધુ લોકો એકત્ર થતા હોય, ત્યાં ફાયર NOC લેવી જરૂરી રહેશે. આવા આયોજનોમાં ફાયર સેફ્ટીના સાધનો અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ ફરજિયાત રાખવાની રહેશે.
પંડાલમાં ક્ષમતા કરતાં વધુ ભીડ નહીં ચાલે
ફાયર વિભાગની માર્ગદર્શિકા મુજબ પંડાલની નક્કી કરાયેલી ક્ષમતા પ્રમાણે જ લોકોને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી એક ચોરસ મીટર જગ્યા રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ મંડપ, પંડાલ અથવા ટેમ્પરરી સ્ટ્રક્ચરનો સ્ટેજ મુખ્ય રોડથી 45 મીટરથી વધુ દૂર રાખી શકાશે નહીં. મોટા આયોજનોમાં હાજર લોકો અંગે જરૂરી રેકોર્ડ રાખવા સહિતની અન્ય સલામતી શરતોનું પણ પાલન કરવાનું રહેશે.
500 ચોરસ મીટર અને 9 મીટરથી નાના આયોજનોને NOCની જરૂર નહીં
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.ડી. ધોબીના જણાવ્યા મુજબ, ફાયર વિભાગે આ વખતે ચોક્કસ ક્રાઈટેરિયા જાહેર કર્યા છે. 500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર, 9 મીટરથી વધુ ઊંચાઈ અને 50થી વધુ લોકોની હાજરી ધરાવતા પંડાલો માટે ફાયર NOC લેવી ફરજિયાત છે. બીજી તરફ, આ માપદંડથી ઓછા કદના પંડાલો માટે ફાયર NOC લેવી ફરજિયાત નથી. જોકે, આવા નાના આયોજનોમાં પણ જરૂરી ફાયર સેફ્ટી સાધનો ઉપલબ્ધ કરાવવાના રહેશે.
છેલ્લી ઘડીએ NOC માટે દોડધામની શક્યતા
ફાયર વિભાગ પાસે હાલમાં માત્ર બે અરજીઓ આવી હોવાથી નવરાત્રી નજીક આવતા છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં આયોજકો દ્વારા NOC માટે અરજી કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે અરજી મોડેથી કરવામાં આવે તે માત્ર કારણસર NOC નકારવામાં આવશે નહીં. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.ડી. ધોબીના જણાવ્યા મુજબ, કોઈ આયોજક છેલ્લે દિવસે પણ અરજી કરે અને સ્થળ પર જાહેર કરાયેલી તમામ માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હોય, તો નિયમો મુજબ ચકાસણી બાદ NOC આપવામાં આવશે.
બે અરજીઓની ચકાસણી શરૂ
ફાયર વિભાગના ઓનલાઈન પોર્ટલ પર મળેલી બંને અરજીઓની ચકાસણીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જે પણ આયોજકો પોર્ટલ પર અરજી કરશે અને ફાયર વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરતા હશે, તેમને નિયમો મુજબ NOC આપવામાં આવશે. જોકે, નવરાત્રીના ગણતરીના દિવસો બાકી હોવાથી મોટા ગરબા આયોજકો સમયસર ફાયર NOCની પ્રક્રિયા પૂર્ણ કરે તે જરૂરી છે. કારણ કે ગરબા સ્થળે હજારો લોકો એકત્ર થવાના હોય છે ત્યારે ફાયર સેફ્ટી માત્ર કાગળ પરની મંજૂરી નહીં પરંતુ લોકોના જીવ સાથે જોડાયેલો અત્યંત મહત્વનો મુદ્દો બની જાય છે.
સલામતીના નિયમોના પાલન પર હવે નજર
સુરતમાં એક તરફ ગરબા ગ્રાઉન્ડ અને ડોમમાં તૈયારીઓ તેજ બની છે, તો બીજી તરફ ફાયર વિભાગની કડક શરતોનું વાસ્તવિક અમલીકરણ કેટલું થાય છે તે હવે મહત્વનો સવાલ છે. માત્ર NOC મેળવવા માટે છેલ્લી ઘડીએ કાર્યવાહી કરવાને બદલે આયોજકો દ્વારા શરૂઆતથી જ તમામ સલામતી માપદંડોનું પાલન કરવામાં આવે તે જરૂરી છે. આ વર્ષે 30 જેટલી સલામતી શરતો સાથે ફાયર વિભાગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. હવે આગામી દિવસોમાં કેટલી અરજીઓ આવે છે, કેટલા આયોજકો નિયમો પૂર્ણ કરે છે અને કેટલાને ફાયર NOC મળે છે તેના પર સૌની નજર રહેશે.








