Surat Crime News: સુરતના પૂણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીના મકાન નંબર 227માંથી માતા અને પુત્રીના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતકોની ઓળખ 42 વર્ષીય જાશાબેન અને તેમની 19 વર્ષીય પુત્રી મુસ્કાન તરીકે થઈ છે. ઘટનાસ્થળેથી બંનેના મોબાઈલ ફોન પણ મળી આવ્યા નથી. પ્રાથમિક માહિતી મુજબ, બંનેના ગળા પર ગંભીર નિશાન જોવા મળ્યા હતા. મૃતક મહિલાના પુત્ર આનંદ શ્રીવાસ્તવે પરિવાર સાથે છેલ્લા દોઢ વર્ષથી રહેતા હિમાંશુ સિંહ નામના યુવક પર હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પૂણા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા છે અને ફરાર હિમાંશુની શોધખોળ શરૂ કરી છે.
સાત સભ્યોના પરિવારના ઘરમાં ઘટના સમયે માતા-પુત્રી જ હતાં
મૃતકના પુત્ર આનંદે જણાવ્યું હતું કે તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે. પરિવારમાં પિતા અવધેશ શ્રીવાસ્તવ, માતા જાશાબેન, બે બહેનો ભાવના અને મુસ્કાન તથા ત્રણ ભાઈઓ આનંદ, આદિત્ય અને અંશ છે. પિતા હીરા ઘસવાનું કામ કરે છે, જ્યારે આનંદ ડિજિટલ પ્રિન્ટિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે. 2 સપ્ટેમ્બરે છઠ પૂજા હોવાથી પરિવારના સભ્યો પોતાની કામગીરીમાં વ્યસ્ત હતા. પિતા કામ પર ગયા હતા, આનંદ નોકરી પર હતો અને બંને નાના ભાઈઓ શાળાએ ગયા હતા. જેના કારણે ઘટના સમયે ઘરમાં માત્ર જાશાબેન અને મુસ્કાન હાજર હતાં.
‘હિમાંશુ માર મારી રહ્યો છે’, માતાનો પુત્રને ફોન
આનંદના જણાવ્યા મુજબ, બપોરે આશરે સાડા 12થી 1 વાગ્યાની વચ્ચે તેની માતાનો ફોન આવ્યો હતો. માતાએ ફોન પર જણાવ્યું હતું કે હિમાંશુ સિંહ તેમને માર મારી રહ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ, હિમાંશુ તેમના ગામનો જ વતની છે અને છેલ્લા દોઢ વર્ષથી પરિવાર સાથે રહેતો હતો. આરોપ છે કે તે અગાઉ પણ પરિવારને ગામમાંથી ભગાડી મૂકવાની ધમકીઓ આપતો હતો. માતાનો ફોન આવતા આનંદ કામ પરથી ઘરે જવા નીકળ્યો હતો. જોકે, રસ્તામાં ભારે ટ્રાફિકને કારણે તેને પહોંચવામાં વિલંબ થયો હતો.
ઘરે પહોંચ્યો તો માતા-પુત્રીના મૃતદેહ પડ્યા હતા
આનંદના જણાવ્યા મુજબ, ઘરે પહોંચતા પહેલાં જ તેને ફરી ફોન આવ્યો હતો કે તેની માતાનું અવસાન થઈ ગયું છે. તે તાત્કાલિક ઘરે પહોંચ્યો ત્યારે શેરીમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘરમાં તપાસ કરતાં પાછળના રૂમમાં માતા જાશાબેનનો મૃતદેહ પડેલો હતો. તેમના ગળામાં સાડી લપેટેલી હતી અને સાડીનો એક ભાગ કાપેલો હોવાનું જોવા મળ્યું હતું. સાડીનો બીજો ભાગ પંખા સાથે લટકતો હતો. આગળના રૂમમાં પુત્રી મુસ્કાનનો મૃતદેહ પડેલો હતો. પરિવારના જણાવ્યા મુજબ, તેના ગળા પર દબાવવાના નિશાન જોવા મળ્યા હતા.
બંનેના મોબાઈલ ફોન ગાયબ, હિમાંશુ ફરાર
પરિવારના આરોપ મુજબ, ઘટના બાદ હિમાંશુ સિંહ ફરાર થઈ ગયો છે અને બંને મૃતકોના મોબાઈલ ફોન પણ મળી આવ્યા નથી. આનંદે હિમાંશુ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે પરિવારના સભ્યોના નિવેદન લેવાની સાથે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે
પૂણા પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. પોલીસ હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને મૃતકોના મોબાઈલ ફોનની કૉલ ડિટેઈલ્સ અને અન્ય ડેટા તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હિમાંશુ સિંહની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. હાલ આ કેસમાં પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની પોલીસ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ જ બંનેના મોતનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.








