Surat Kapodra fire incident today: સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આજે 19 માર્ચની વહેલી સવારે એક ગંભીર અને દુઃખદ ઘટના સામે આવી છે. રચના સર્કલ પાસે ભરતનગર વિસ્તારમાં આવેલા એક એમ્બ્રોઈડરી કારખાનામાં અચાનક આગ લાગતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
LPG ગેસ સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ
માહિતી મુજબ, સવારે અંદાજે 5:30 વાગ્યે ફાયર વિભાગને આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. ઘટના ગંભીર હોવાને કારણે અલગ-અલગ ચાર ફાયર સ્ટેશનમાંથી તાત્કાલિક ટીમોને મોકલવામાં આવી. ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલા જ કારખાનામાં રહેલા LPG સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ વધુ ભીષણ બની ગઈ હતી. આ આગ એક કારખાનામાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં તે સમયે અનેક કામદારો હાજર હતા. આગ લાગતા જ અંદર હાજર શ્રમિકોમાં ડર ફેલાઈ ગયો અને બચવા માટે દોડધામ મચી ગઈ. આગની તીવ્રતા ખૂબ જ વધારે હોવાથી ઇમારતમાં રાખેલા LPG ગેસ સિલિન્ડર અચાનક જોરદાર ધડાકા સાથે ફાટી નીકળ્યા હતા. આ વિસ્ફોટના કારણે પરિસ્થિતિ વધુ ભયાનક બની ગઈ અને આસપાસના વિસ્તારમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી.
11 કામદારોનું રેસ્ક્યૂ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઘટનાસ્થળેથી કુલ 8 જેટલા સિલિન્ડર મળી આવ્યા હતા. તેમાંમાંથી 2થી 3 સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા, જ્યારે બાકીના સિલિન્ડરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ વિસ્ફોટને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવા મુશ્કેલી ઉભી થઈ. આ આગ G+3 માળની ઇમારતમાં લાગી હતી, જ્યાં વિવિધ પ્રકારના કામકાજ ચાલતા હતા. ખાસ કરીને ત્રીજા માળ પર પતરાના શેડ હેઠળ કેટલાક કામદારો ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને એક્સટેન્શન લેડરની મદદ લીધી. પતરા કાપીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો અને જોખમ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું.
કુલ 13 લોકો ઇજાગ્રસ્ત થયા
ફાયર ટીમે કુલ 11 લોકોને સલામત બહાર કાઢ્યા હતા. તેમ છતાં, બચાવાયેલા લોકોમાંથી 2 વ્યક્તિઓના દુર્ભાગ્યવશ મોત થયા, જ્યારે બાકીના 9 લોકોને ઇજા પહોંચી હતી. કેટલાક લોકોને સ્થાનિક લોકો દ્વારા પહેલેથી જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં હોસ્પિટલમાં તપાસ કરતાં કુલ 13 લોકો ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું, જેમાંથી 2ના મોત થયા અને 11 લોકો સારવાર હેઠળ છે.
અત્યાર સુધીમાં બે લોકોના મોતની પુષ્ટિ
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિલિન્ડર બ્લાસ્ટને કારણે રેસ્ક્યૂ કાર્ય વધુ પડકારજનક બન્યું હતું. છતાં પણ ટીમે બહાદુરીપૂર્વક કામગીરી કરી અને તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા મેળવી. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે, પરંતુ સાવચેતી તરીકે કેટલીક ફાયર ગાડીઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
આગ કઈ રીતે લાગી?
આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. સંબંધિત વિભાગો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ જાણવા મળશે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ઉદ્યોગ વિસ્તારોમાં સલામતીના નિયમો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.








