Surat Suicide Case: સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં ભાજપના મહિલા આગેવાનની પુત્રવધૂ નિધિએ આત્મહત્યા કર્યા બાદ હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. લગ્નના માત્ર બે વર્ષ બાદ નિધિએ સાસરીના ઘરના ઉપરના માળે સાડી વડે સીલિંગ ફેન સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જો, કે પુત્રવધૂ નિધિનું પોસ્ટમોર્ટમ કરી રહેલા ડોક્ટરોને તેના આંતરવસ્ત્રોમાંથી સુસાઇડ નોટ મળી આવી છે.
પોસ્ટમોર્ટમ દરમિયાન મળી ચિઠ્ઠી
મૃતક નિધિના પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરોને તેના આંતરવસ્ત્રોમાંથી એક ચિઠ્ઠી મળી હોવાની માહિતી સામે આવી છે. પોલીસ દ્વારા આ ચિઠ્ઠી કબજે કરવામાં આવી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, ચિઠ્ઠીમાં નિધિના પતિના અન્ય મહિલા સાથેના કથિત સંબંધ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ચિઠ્ઠીમાં લખેલી બાબતો અને તેના આધારે લાગેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.
ઘરના ઉપરના માળે જીવન ટૂંકાવ્યું
આ ઘટના કડોદરા-બારડોલી રોડ પર આવેલી શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીના વિભાગ-Aમાં આવેલા મકાન નંબર 76-77માં બની હતી. નિધિએ ઘરના ઉપરના માળે આ પગલું ભર્યું હતું. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેને નીચે ઉતારી તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેનું મોત થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું હતું.
લગ્નને બે વર્ષ જ થયા હતા
પોલીસની નોંધ મુજબ, મૃતક નિધિ મૂળ બિહારના સીતામઢી જિલ્લાના રહેવાસી હતી અને તેના લગ્ન આશરે બે વર્ષ પહેલાં થયા હતા. લગ્નના ટૂંકા સમયગાળા બાદ તેણે આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
પોલીસે તપાસ શરૂ કરી
કડોદરા GIDC પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ દરમિયાન મળેલી ચિઠ્ઠી, પરિવારજનોના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. નિધિના મોતનું ચોક્કસ કારણ અને ચિઠ્ઠીમાં કરાયેલા આક્ષેપોની હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.








