Surat Couple Suicide: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં રહેતા એક નવપરિણીત દંપતીએ લગ્નના માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. 24 વર્ષીય ભાવેશ ચુડાસમા અને 23 વર્ષીય તેજલ ચુડાસમાના આ આત્મઘાતી પગલાથી રાજપૂત ફળિયામાં ચકચાર મચી ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
એક જ રૂમમાં બે અલગ-અલગ જગ્યાએ ગાળિયો કસ્યો
સિંગણપોર પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ કરુણ બનાવ ડભોલી ગામના રાજપૂત ફળિયામાં આવેલી એક ચાલના રૂમમાં બન્યો હતો. દંપતીએ એક જ રૂમમાં પરંતુ બે અલગ-અલગ સ્થાને ફાંસો ખાધો હતો. પત્ની તેજલબેને રૂમની અંદર કપડાં ધોવાની ચોકડી પાસે છતમાં લાગેલા લોખંડના હૂક સાથે નાયલોનની પટ્ટી બાંધી આપઘાત કર્યો હતો. જ્યારે પતિ ભાવેશભાઈએ તે જ રૂમમાં સીલિંગ ફેનના હૂક સાથે નાયલોનની દોરી વડે ગાળિયો કસી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. એકસાથે બંનેના મૃતદેહ લટકતી હાલતમાં જોતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
લગ્નના 12 મહિનામાં જ ખુશીઓ માતમમાં ફેરવાઈ
મૃતક ભાવેશ અને તેજલના લગ્ન હજુ ગત વર્ષે જ ખૂબ જ ધામધૂમથી લેવાયા હતા. લગ્નજીવનના હજુ 12 મહિના માંડ પૂર્ણ થયા હતા ત્યાં જ આ કરુણ અંજામ આવતા અનેક સવાલો ઉભા થયા છે. પાડોશીઓ અને મિત્ર વર્તુળના જણાવ્યા મુજબ, દંપતી વચ્ચે ક્યારેય કોઈ મોટો ઝઘડો કે અણબનાવ જોવા મળ્યો નહોતો. સુખી જણાતા આ દંપતીએ કેમ આવું અંતિમ પગલું ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે. ઘટનાને પગલે આખું ફળિયું શોકમાં ગરકાવ થઈ ગયું છે.
કોઈ સુસાઈડ નોટ નહીં, તપાસમાં ACP જોડાયા
બનાવની ગંભીરતાને જોતા સિંગણપોર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પંચનામું કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ઘટનાસ્થળેથી કોઈ 'સુસાઈડ નોટ' મળી આવી નથી, જેના કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ હવે એફ-ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર (ACP) એલ.બી. ઝાલા સંભાળી રહ્યા છે.
મોબાઈલ ફોન જ ખોલશે રહસ્ય?
પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી દંપતીના મોબાઈલ ફોન અને અન્ય અંગત વસ્તુઓ કબજે કરી છે. તપાસનીશ અધિકારીઓ દંપતીના કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરી રહ્યા છે જેથી જાણી શકાય કે મરતા પહેલા તેમણે કોઈને ફોન કર્યો હતો કે કેમ અથવા તેઓ કોઈ આર્થિક કે માનસિક તણાવમાં હતા. બીજી તરફ, મૃતકના પરિવારજનોએ આ મામલે કોઈના દબાણ કે અન્ય કારણોની આશંકા વ્યક્ત કરી તટસ્થ તપાસની માગ કરી છે.








