Surat Trader Gets 4.5 Years US Prison for Drug Smuggling: અમેરિકામાં ભારે તબાહી મચાવતા અતિ ઘાતક ડ્રગ્સ 'ફેન્ટેનાઇલ' બનાવવામાં વપરાતા કેમિકલ્સનું ગેરકાયદે સ્મગલિંગ કરવાના કેસમાં ગુજરાતના સુરતના એક કેમિકલ વેપારી સામે મોટો ચુકાદો આવ્યો છે. સુરતથી આંતરરાષ્ટ્રીય સ્તરનું ડ્રગ કેમિકલ નેટવર્ક ચલાવતા વેપારીને અમેરિકન કોર્ટે સાડા ચાર વર્ષ (54 મહિના)ની સખત જેલની સજા સંભળાવી છે. આ ઉપરાંત કોર્ટે તેને હજારો ડોલરનો મોટો દંડ પણ ફટકાર્યો છે.
સુરતથી યુએસ અને મેક્સિકો સુધી ફેલાયેલું હતું ગેરકાયદે નેટવર્ક
અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પામેલા કે. ચેન દ્વારા આ મામલે સજા સંભળાવવામાં આવી છે. સુરતમાં 'રેક્સુટર કેમિકલ્સ' નામની કંપની ચલાવતા 37 વર્ષીય ભાવેશ લાઠિયાએ અમેરિકન કોર્ટ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. ભાવેશ પોતાની સુરતસ્થિત કંપની મારફતે અમેરિકા અને મેક્સિકોના ડ્રગ કાર્ટેલ્સને ફેન્ટેનાઇલ ડ્રગ્સ બનાવવાનું મુખ્ય રસાયણ સપ્લાય કરતો હતો, જેનો ઉપયોગ પાછળથી ગેરકાયદે નશીલા પદાર્થો બનાવવામાં થતો હતો.
એસિડિટી અને વિટામિન Cના ખોટા લેબલ લગાવી કરાતી હેરાફેરી
તપાસમાં બહાર આવ્યું છે કે ભાવેશ લાઠિયા અત્યંત શાતિર મગજ ધરાવતો હતો અને કસ્ટમ્સ કે સિક્યુરિટી એજન્સીઓની નજરમાંથી બચવા માટે અવનવી તરકીબો અપનાવતો હતો. તે ડ્રગ્સ બનાવવા માટેના જોખમી રસાયણોના પેકિંગ પર 'એસિડિટીની દવા', 'વિટામિન સી' કે અન્ય સામાન્ય સપ્લીમેન્ટ્સના બોગસ લેબલ લગાવી દેતો હતો. આ પ્રકારે કાગળો પર ખોટી વિગતો દર્શાવીને તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય કુરિયર અને કાર્ગો મારફતે માલ રવાના કરતો હતો.
યુએસ એજન્સી દ્વારા એરપોર્ટ પરથી ધરપકડ
અમેરિકન ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ જ્યારે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો ત્યારે ભાવેશ લાઠિયાની ચાલબાજી ખુલ્લી પડી ગઈ હતી. સુરતથી ઓપરેટ કરતો ભાવેશ જ્યારે અમેરિકા પહોંચ્યો ત્યારે એરપોર્ટ પર જ કસ્ટમ્સ અને ફેડરલ એજન્સીઓએ તેને ઝડપી લીધો હતો. ગેરકાયદે કેમિકલ્સ આયાત કરવા અને નશીલા પદાર્થોના કારોબારમાં મદદગારી કરવા બદલ તેની સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેલની સજા પૂરી થયા બાદ ભારત ડિપોર્ટ કરાશે
યુએસ કોર્ટે ભાવેશ લાઠિયાને 54 મહિનાની જેલની સજાની સાથે $24,560 (આશરે ભારતીય રૂપિયા 20 લાખથી વધુ)નો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે આરોપી પોતાની જેલની સજા પૂર્ણ કરશે તે પછી તરત જ તેને અમેરિકામાંથી ડિપોર્ટ કરીને ભારતમાં પરત મોકલી દેવામાં આવશે. આ કડક નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરકાયદે કેમિકલ અને ડ્રગ્સનો વેપાર કરતા ગુનેગારોમાં ફાળ પડી છે.








