Surat BJP 19 lakh settlement chat leak: શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના સુરત એકમમાં ફરી એકવાર આંતરિક જૂથવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપોનો ભડકો થયો છે. ખાનગી સોસાયટીમાં ચાલતા ગેરકાયદે બાંધકામને છાવરવા માટે 19 લાખ રૂપિયાનો કથિત 'વહીવટ' (સેટલમેન્ટ) થયો હોવાની વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે વિપક્ષને બદલે ભાજપના જ કાર્યકરોએ પોતાના જ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે આંગળી ચીંધી છે.
કથિત 'વહીવટ'નું ગણિત: કોના ભાગે કેટલા આવ્યાની ચર્ચા?
વાયરલ થયેલી ચેટ અને રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ગેરકાયદે બાંધકામના આ પ્રકરણમાં મોટી રકમની લેવડદેવડ થઈ હોવાના આક્ષેપો છે. વોર્ડ નંબર 27ના દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂપિયા મળ્યા હોવાની વાત વાયરલ ચેટમાં ચર્ચાઇ રહી છે. આ સમગ્ર પ્રકરણમાં કોઈ ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયા કોણ લઈ ગયું, તે મુદ્દો હાલ ભાજપના આંતરિક વર્તુળોમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે.ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરવા પાછળ પાલિકાના લિંબાયત ઝોનના અધિકારીઓની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી છે.
ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ફૂટ્યો ભાંડો, કોર્પોરેટરનો હાથ ઊંચા કરવાનો પ્રયાસ
આ મામલે ફરિયાદ કરનાર કાર્યકર મનીષ નાયકના દાવા મુજબ, એક ખાતમુહૂર્તના જાહેર કાર્યક્રમ દરમિયાન આ સમગ્ર 'તોડકાંડ'ની વાત બહાર આવી હતી, જે અંગે શહેર ભાજપ સંગઠનને પણ લેખિત-મૌખિક જાણ કરવામાં આવી છે. બીજી તરફ, જે કોર્પોરેટર ભાઈદાસ પાટીલના મોબાઈલમાંથી આ વિવાદાસ્પદ મેસેજ વાઈરલ થયા હોવાનું કહેવાય છે, તેમણે આ સમગ્ર ઘટનાથી હાથ ઊંચા કરી દીધા છે. પાટીલે સ્પષ્ટતા કરી છે કે તેમના મોબાઈલમાંથી આવા કોઈ મેસેજ મોકલાયા નથી અને તેઓ આ બાબતે સાવ અજાણ છે.
સંગઠનનું રહસ્યમય મૌન
સુરતના અન્ય વિસ્તારોમાં પણ કેટલાક કોર્પોરેટરો દ્વારા હપ્તાખોરી ચાલતી હોવાના આક્ષેપો વચ્ચે આ ચેટ વાયરલ થતાં પક્ષની છબી ખરડાઈ છે. જોકે, આટલા ગંભીર આક્ષેપો છતાં શહેર ભાજપ સંગઠન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે તપાસની જાહેરાત કરવામાં આવી નથી. પોતાના જ કાર્યકરો જાહેરમાં નેતાઓની પોલ ખોલી રહ્યા હોવા છતાં સંગઠન દ્વારા સમગ્ર પ્રકરણ પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે જોવાનું એ રહે છે કે 19 લાખના આ કથિત સેટલમેન્ટ અને વાયરલ ચેટની સત્યતા બહાર લાવવા માટે ભાજપ મોવડીમંડળ કોઈ તપાસ સમિતિ નીમે છે કે પછી આ વિવાદને પણ આંતરિક રીતે દબાવી દેવામાં આવે છે.








