Surat AAP Spokesperson Kalu Vaghasiya Rape FIR: સુરતના રાજકીય વર્તુળોમાં અત્યારે એક મોટા સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે લસકાણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાના આક્ષેપે રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે.
સોશિયલ મીડિયાથી શરૂ થયેલી માયાજાળ
ઘટનાની વિગતો મુજબ, લસકાણા વિસ્તારમાં રહેતી પીડિત મહિલાનો સંપર્ક કાળુ ચતુરભાઈ વઘાસિયાએ ડિસેમ્બર, 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યો હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ કાળુએ પોતાની રાજકીય વગ અને મીઠી વાતોથી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. કાળુએ મહિલા સમક્ષ એવું રડણ રડ્યું હતું કે તેને તેની પત્ની સાથે બનતું નથી અને તે ટૂંક સમયમાં છૂટાછેડા લેવાનો છે. ‘હું તને પત્ની તરીકે સ્વીકારીશ’ તેવા વાયદાઓ કરી આરોપીએ મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી.
લગ્નની લાલચ આપી શારીરિક શોષણ
લગ્નના પવિત્ર વચનો પર વિશ્વાસ રાખીને મહિલા કાળુ વઘાસિયા સાથે સંબંધમાં રહી હતી. ફરિયાદ મુજબ, આરોપી કાળુ મહિલાને તેના ઘરે તેમજ સુરતની અલગ-અલગ હોટેલોમાં લઈ જતો હતો. ત્યાં લગ્નની લાલચ આપી અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. લાંબા સમય સુધી મહિલાનું શારીરિક અને માનસિક શોષણ કર્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું હતું.
‘તુષાર ઘેલાણી’ જેવો કાંડ કરવાની ધમકી
જ્યારે પીડિત મહિલાએ લગ્ન કરવાની જીદ કરી, ત્યારે કાળુ વઘાસિયાએ બિભત્સ ગાળો આપીને લગ્નનો સાફ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેણે મહિલાને ધમકાવતા કહ્યું હતું કે, જો તે પોલીસ ફરિયાદ કરશે તો તે 'તુષાર ઘેલાણી' જેવો કાંડ (આપઘાત) કરીને મહિલા અને તેના દીકરાને જેલમાં સડાવી દેશે અને તેમનું જીવવું હરામ કરી નાખશે. આરોપીના આ આતંકથી ગભરાયેલી મહિલાએ અંતે હિંમત ભેગી કરી પોલીસનો આશરો લીધો છે.
શું છે ‘તુષાર ઘેલાણી’ કેસનું કનેક્શન?
આરોપીએ જે તુષાર ઘેલાણીના નામે ધમકી આપી હતી, તે સુરતનો અત્યંત ચર્ચિત આપઘાત કેસ છે. 1 ફેબ્રુઆરી, 2026ના રોજ સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ પૂનમ ભદોરિયા નામની મહિલાના બ્લેકમેલિંગથી કંટાળીને પોતાની રિવોલ્વરથી આપઘાત કર્યો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેમના ઘરે દીકરીના લગ્નની કંકોત્રી લખાઈ રહી હતી. પૂનમ ભદોરિયાએ આર્થિક છેતરપિંડી અને માનસિક ત્રાસ આપીને બિલ્ડરને મરવા મજબૂર કર્યા હતા. આરોપી કાળુએ આ જ કેસનો હવાલો આપીને મહિલાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસની કડક કાર્યવાહી
લસકાણા પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા વિરુદ્ધ દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા ટેકનિકલ પુરાવાઓ અને હોટેલના રેકોર્ડ્સની તપાસ કરવામાં આવી રહી છે. એક રાજકીય પક્ષના હોદ્દેદાર સામે આ પ્રકારનો ગુનો નોંધાતા હવે આગામી સમયમાં તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.








