Sumul Dairy MD Arun Purohit Resigns: સુમુલ ડેરીમાં ચૂંટણી બાદ ભાજપના આંતરિક ખટરાગ અને ડિરેક્ટરો વચ્ચેના જૂથવાદની અસર હવે ડેરીના વહીવટી માળખા પર જોવા મળી રહી છે. મેનેજિંગ ડિરેક્ટર (MD) અરુણ પુરોહિતે નિવૃત્તિને હજુ 11 મહિના જેટલો સમય બાકી હોવા છતાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બે મહિના પહેલાં આપેલા તેમના રાજીનામાને સોમવારે મળેલી બોર્ડ બેઠકમાં સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી.
30 નવેમ્બર સુધી અરુણ પુરોહિત સંભાળશે જવાબદારી
MD અરુણ પુરોહિતે કયા કારણોસર સમય પહેલાં રાજીનામું આપ્યું તે અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સોમવારે મળેલી નિયામક મંડળની બેઠકમાં તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું. તેઓ આગામી 30 નવેમ્બર સુધી મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે. તેમના સ્થાને બારડોલી નાગરિક સહકારી બેંકના MD ડૉ. પી.આર. પાંડેને ઈન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો છે. તેમની ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ તેમને ઈન્ચાર્જ MDનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.
અગાઉ પણ સુમુલ ડેરીમાં MD તરીકે સેવા આપી ચૂક્યા છે ડૉ. પાંડે
ડૉ. પી.આર. પાંડે અગાઉ પણ સુમુલ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ડેરીના વહીવટનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી તેમને ફરી એક વખત મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ડિરેક્ટરો વચ્ચેની આંતરિક ખેંચતાણ અને MDના રાજીનામા બાદ હવે સુમુલ ડેરીનું આગામી વહીવટી માળખું કેવું રહેશે અને રાજકીય સમીકરણો કઈ દિશામાં આગળ વધશે તેના પર સહકારી ક્ષેત્રની નજર મંડાઈ છે.
સુમુલ ડેરીમાં ભાજપના બે જૂથ વચ્ચે લાંબા સમયથી ખટરાગ
સુમુલ ડેરીમાં છેલ્લા એક દાયકાથી ભાજપના બે જૂથ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલી રહી હતી. એક તરફ માજી પ્રમુખ માનસિંહ પટેલ અને બીજી તરફ માજી ઉપપ્રમુખ રાજુ પાઠકના જૂથ વચ્ચેનો ખટરાગ સમયાંતરે સામે આવતો રહ્યો છે. ગત ચૂંટણીમાં ભાજપે માનસિંહ પટેલને મેન્ડેટ આપ્યો નહોતો. ત્યારબાદ તેમના જૂથના માનવામાં આવતા ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને રાજુ પાઠક વચ્ચે રાજકીય ખેંચતાણ વધુ વકરી હતી. આ વિવાદની અસર પ્રમુખ પદની ચૂંટણી પર પણ પડી હતી અને ભાજપ મોવડી મંડળે બે વખત ચૂંટણી મોકૂફ રાખવી પડી હતી.
કાંતિ ગામીત પ્રમુખ બન્યા બાદ પણ જૂથવાદ યથાવત્
આખરે સુમુલ ડેરીના પ્રમુખ પદે ગુજરાત સરકારના માજી મંત્રી કાંતિ ગામીત અને ઉપપ્રમુખ પદે સિનિયર ડિરેક્ટર ભરતસિંહ સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી. બંનેએ શાસન સંભાળ્યા બાદ પણ ડિરેક્ટરોના જૂથો વચ્ચેનો ખટરાગ અને રાજકીય અણબનાવ યથાવત્ રહ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે MD અરુણ પુરોહિતનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. ડેરીના વહીવટી ફેરફાર પાછળ આંતરિક ખેંચતાણની અસર હોવાની ચર્ચા છે. જોકે, રાજીનામા પાછળનું સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.








