Strict instructions restaurants in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ઈ-મેઈલ મારફતે મહત્વપૂર્ણ સૂચના પાઠવવામાં આવી છે. ગ્રાહકોને ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાની કામગીરીમાં વધુ પારદર્શિતા મળે તેમજ રેસ્ટોરન્ટના કિચનમાં સતત હાઈજીન જળવાઈ રહે તે હેતુથી કિચન વિસ્તારને આવરી લેતા CCTV કેમેરા લગાવવા અંગે સૂચના આપવામાં આવી છે. AMCની સૂચના મુજબ કિચનના CCTV કેમેરાનો લાઈવ ફીડ રેસ્ટોરન્ટના રિસેપ્શન અથવા ગ્રાહકો સરળતાથી જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થાની નજીક દર્શાવવાનો રહેશે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને તેમના ખોરાકની તૈયારી દરમિયાન કિચનમાં જળવાતી સ્વચ્છતા અંગે સીધી માહિતી મળી શકશે.
FSSAIના સ્વચ્છતા અને સેનિટેશનના નિયમોનું પાલન જરૂરી
ફૂડ બિઝનેસ ઓપરેટર્સે Food Safety and Standards Act, 2006 અને FSSAI દ્વારા નક્કી કરવામાં આવેલા ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા અને સેનિટેશનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ખાસ કરીને Schedule 4 હેઠળ કિચનની નિયમિત સફાઈ, ફૂડ હેન્ડલર્સની વ્યક્તિગત સ્વચ્છતા, કાચા અને તૈયાર ખાદ્ય પદાર્થોને અલગ રાખવા, યોગ્ય સ્ટોરેજની વ્યવસ્થા, પીવા અને ફૂડ પ્રિપેરેશન માટે સલામત પાણીનો ઉપયોગ તથા પેસ્ટ કંટ્રોલ જેવી બાબતોનું પાલન કરવું જરૂરી છે. આ ઉપરાંત કચરાનો યોગ્ય નિકાલ, રસોઈના સાધનો અને વાસણોની નિયમિત સફાઈ તેમજ ખાદ્ય પદાર્થોને ધૂળ, જીવાત અને અન્ય પ્રકારના દૂષણથી સુરક્ષિત રાખવાની પણ જવાબદારી રહેશે.
ફૂડ કલર અને ખાદ્ય તેલના ઉપયોગ પર પણ નજર
AMC ફૂડ વિભાગે ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માત્ર FSSAI દ્વારા મંજૂર કરવામાં આવેલા ફૂડ કલર અને અન્ય ઘટકોનો જ ઉપયોગ કરવાની સૂચના આપી છે. રસોઈમાં ખાદ્ય તેલનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ થાય તેમજ ફૂડ તૈયાર કરવાની પ્રક્રિયામાં ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન થાય તેના પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે
AMCએ સ્પષ્ટ કર્યું છે કે ફૂડ સેફ્ટી અને હાઈજીનના નિયમોમાં બેદરકારી રાખનાર અથવા નિયમોનું ઉલ્લંઘન કરનાર ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે લાગુ કાયદા અને નિયમો હેઠળ તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર અથવા વારંવાર નિયમભંગના કિસ્સામાં ફૂડ લાયસન્સ રદ કરવા સહિત સંબંધિત એકમને સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
'સ્વચ્છ કિચન, સુરક્ષિત ખોરાક અને જાગૃત ગ્રાહક' પર ભાર
'સ્વચ્છ કિચન - સુરક્ષિત ખોરાક - જાગૃત ગ્રાહક'ના સંદેશ સાથે AMC દ્વારા અમદાવાદમાં ફૂડ સેફ્ટીના ધોરણોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. કિચનમાં CCTV અને ગ્રાહકો માટે લાઈવ ફીડની વ્યવસ્થાથી રેસ્ટોરન્ટની કામગીરીમાં પારદર્શિતા વધશે અને સાથે જ સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું સતત પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.








