Ahmedabad SP Ring Road Accident: અમદાવાદના સરદાર પટેલ (SP) રિંગ રોડ પર હિટ એન્ડ રનની બે અલગ-અલગ ઘટનાઓમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. 22 ઓક્ટોબરની રાત્રે નિકોલ વિસ્તારમાં અજાણ્યા વાહનની ટક્કરથી 26 વર્ષીય શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા માર્ગ પર કારની ટક્કરથી ગંભીર રીતે ઘવાયેલા 39 વર્ષીય બાઇકચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બંને બનાવોમાં વાહનચાલકો અકસ્માત બાદ ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને કેસમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નિકોલમાં શ્રમિકને અજાણ્યા વાહને અડફેટે લીધો
મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના મદરાની ગામનો રહેવાસી નાહટીયા કટારા અમદાવાદમાં કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 22 ઓક્ટોબરની રાત્રે આશરે 10 વાગ્યે તે નિકોલ SP રિંગ રોડના સર્વિસ રોડ પર ચાલીને જઈ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા વાહનચાલકે કથિત રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવી તેને અડફેટે લીધો હતો. અકસમાતમાં વાહનનું ટાયર નાહટીયાના પેટ અને કમરના ભાગ પરથી ફરી વળતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. નાહટીયાના પિતા કલસિંગ ગલાલ કટારા ખેતીકામ કરે છે. પરિવારની માહિતી મુજબ, નાહટીયાનાં લગ્ન થયાં હતાં અને તેને ત્રણ દીકરા તથા એક દીકરી છે. પરિવાર અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ આ મામલે 'આઈ' ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ત્રાગડ અંડરપાસ પાસે કારની બાઇક અને રિક્ષાને ટક્કર
બીજા બનાવમાં ચાંદખેડાના ન્યૂ સી.જી. રોડ પર આવેલા દેવનંદન સ્કાયમાં રહેતા 39 વર્ષીય પ્રણવ મિસ્ત્રી અકસ્માતનો ભોગ બન્યા હતા. 22 ઓક્ટોબરની રાત્રે આશરે 8:30 વાગ્યે તેઓ બાઇક લઈને SP રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ તરફ જઈ રહ્યા હતા. ત્રાગડ અંડરપાસ પહેલાં એક કારચાલકે કથિત રીતે પૂરઝડપે કાર ચલાવી પ્રણવની બાઇક અને એક ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રણવને મોઢા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને પ્રથમ સોલા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસમાત બાદ કારચાલક વાહન લઈને ઝુંડાલ તરફ ફરાર થઈ ગયો હતો. આ મામલે 'એલ' ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બંને અકસ્માતમાં ફરાર વાહનચાલકોની તપાસ
SP રિંગ રોડ પર એક જ રાત્રે બનેલી આ બે જીવલેણ ઘટનાઓથી માર્ગ સલામતી અંગે ફરી ચિંતા ઊભી થઈ છે. બંને કેસમાં અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલકો ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને સંબંધિત વાહનચાલકોને શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝડપ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે. આવા બનાવોમાં અકસ્માત બાદ સ્થળેથી ભાગી જવાને બદલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવી અને પોલીસને જાણ કરવી જરૂરી છે.








