SIM Swapping Scam Ahmedabad: સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા એક આધેડ સરકારી કોન્ટ્રાક્ટર સાથે સીમ સ્વેપિંગના માધ્યમથી ઠગ ટોળકીએ રૂ. 1.07 કરોડની મોટી છેતરપિંડી કરતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, સાયન્સ સિટી રોડ પર રહેતા 53 વર્ષીય આધેડ 21 માર્ચના રોજ ઘરે હાજર હતા ત્યારે તેમના વોડાફોન મોબાઈલ નંબર પર અચાનક નેટવર્ક ગાયબ થઈ ગયું હતું. શરૂઆતમાં તેમણે તેને સામાન્ય ટેક્નિકલ ખામી માનતા ખાસ ધ્યાન આપ્યું ન હતું. જોકે, બીજા દિવસે જ્યારે તેઓ વોડાફોન સ્ટોર પર પહોંચ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. અજાણ્યા વ્યક્તિએ કંપનીમાં રિક્વેસ્ટ કરી તેમનું સિમ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. આધેડે 22 માર્ચે નવું ફિઝિકલ સિમ કાર્ડ મેળવ્યું અને મોબાઈલ ફરી શરૂ કર્યો. ત્યારબાદ 23 માર્ચે તેઓ તેમના એકાઉન્ટન્ટ સાથે ઓફિસમાં બેઠા હતા અને બેંકની ઓનલાઈન વિગતો ચેક કરતા હતા. ત્યારે તેમના ખાતામાંથી થયેલી શંકાસ્પદ લેવડદેવડ સામે આવી. તપાસ કરતા જાણવા મળ્યું કે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ 15 ટ્રાન્ઝેક્શન કરીને રૂ. 1.07 કરોડ અજાણ્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.
સીમ સ્વેપિંગની ટેક્નિકનો ઉપયોગ કરીને ઠગાઈ
આ ઘટનામાં ઠગોએ સીમ સ્વેપિંગની ટેક્નિકનો ઉપયોગ કરીને મોબાઈલ નંબર પરનો કંટ્રોલ મેળવી લીધો હતો. સીમ બંધ હોવાના કારણે બેંક ટ્રાન્ઝેક્શન સંબંધિત OTP અને મેસેજ પીડિત સુધી પહોંચ્યા ન હતા, જેના કારણે છેતરપિંડી સરળ બની હતી. ઠગોએ નેટ બેન્કિંગ એક્સેસ મેળવી નાણાં ટ્રાન્સફર કરી દીધા હોવાનું અનુમાન છે.
5 બેંક ખાતાઓમાંથી 15 ટ્રાન્ઝેક્શન
ઠગોએ આધેડના બેંક ખાતા અલગ અલગ બેન્કમાં કુલ 15 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. કુલ રૂ. 1.07 કરોડની રકમ અલગ-અલગ અજાણ્યા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. સીમ બંધ હોવાને કારણે કોઈ એલર્ટ મેસેજ ન મળતા પીડિતને સમયસર ખબર પડી ન હતી. ઓનલાઈન બેંકિંગ ચેક કરતા સમગ્ર ફ્રોડ બહાર આવ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર સાયબર સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને લોકોમાં સાવચેતી રાખવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.
ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ
પીડિતે ઘટના અંગે તરત જ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને પકડવા માટે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારના સીમ સ્વેપિંગ ફ્રોડમાં સામાન્ય રીતે વ્યક્તિગત માહિતી મેળવી ઠગો સીમ બ્લોક કરાવી નવું સીમ મેળવી લેતા હોય છે.








