Vadodara Suicide: વડોદરાના જૂના શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા દલા પટેલની પોળમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી 50 વર્ષીય માતા અને તેમનાં 23 વર્ષીય પુત્ર તથા 20 વર્ષીય પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. પરિવારના સભ્યો બે દિવસથી ઘરની બહાર દેખાયા ન હોવાથી પાડોશીઓને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
બે દિવસથી ઘર બંધ હોવાથી પાડોશીઓને શંકા ગઈ
મળતી માહિતી મુજબ, દલા પટેલની પોળમાં આરતીબેન સોની (ઉંમર 50), તેમના પુત્ર નિલકંઠ સોની (ઉંમર 23) અને પુત્રી જેની સોની (ઉંમર 20) રહેતાં હતાં. ત્રણેય સભ્યો બે દિવસથી ઘરની બહાર દેખાયા નહોતા અને ઘર પણ બંધ હતું. આથી આસપાસના લોકોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરની તપાસ દરમિયાન ત્રણેયના મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
એક વર્ષ પહેલાં પતિનું હૃદયની બીમારીથી થયું હતું મોત
પ્રાથમિક માહિતી મુજબ, આરતીબેનના પતિ ચેતનભાઈ સોનીનું આશરે એક વર્ષ પહેલાં હૃદયની બીમારીને કારણે અવસાન થયું હતું. ત્યારબાદ આરતીબેન અને તેમનાં સંતાનો જૂના પાદરા રોડ પર આયુર્વેદિક દવાઓને લગતું કામ કરતાં હતાં. પરિવારના જણાવ્યા અનુસાર, નિલકંઠ અભ્યાસ માટે કેનેડા ગયો હતો, પરંતુ પિતાના અવસાન બાદ તે પરત ફર્યો હતો અને અહીં જ રહેતો હતો. પરિવારના ત્રણ સભ્યોનાં એકસાથે મોત થતાં સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છે. જોકે, આ ઘટનાના ચોક્કસ કારણ અંગે હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.
પોલીસ દ્વારા તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહો ખસેડાયા
ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ હવે પરિવારના સભ્યોનાં મોત પાછળનાં સંજોગો અને સંભવિત કારણોની તપાસ કરી રહી છે. ઘરમાંથી કોઈ નોંધ કે અન્ય પુરાવા મળ્યા છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી સામે આવ્યા બાદ જ ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે. હાલ તપાસ પૂર્ણ થયા પહેલાં મોતનું ચોક્કસ કારણ નક્કી કરવું યોગ્ય નથી.








