Accidents in Ahmedabad: અમદાવાદમાં અકસ્માતોની શ્રેણીમાં ચાર લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. CTM બ્રિજ પર બનેલા અકસ્માતમાં વસ્ત્રાલમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય અદિતિ રવિસિંહ કુશ્વાહનું સારવાર દરમિયાન મોત થયું છે. અદિતિ પુસ્તક લેવા માટે એક્ટિવા લઈને નીકળી હતી, ત્યારે અજાણ્યા વાહને તેને અડફેટે લેતાં તે રોડ પર પટકાઈ હતી. ગંભીર ઈજાઓને પગલે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલી અદિતિનું બાદમાં મોત થયું હતું.
પુસ્તક લેવા નીકળી હતી અદિતિ, CTM બ્રિજ પર અકસ્માત
મળતી માહિતી મુજબ, અદિતિ ભાવના સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી અને વસ્ત્રાલમાં પરિવાર સાથે રહેતી હતી. ગત બુધવારે તે સંબંધીનું એક્ટિવા લઈને CTM ખાતે પુસ્તક લેવા માટે ઘરેથી નીકળી હતી. ઘરેથી નીકળ્યાના આશરે 25 મિનિટ બાદ CTM બ્રિજ પર અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતમાં અદિતિ રોડ પર પટકાઈ હતી અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
CCTVના આધારે અજાણ્યા વાહનચાલકની શોધ
અકસમાતની જાણ થતાં 'I' ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બ્રિજ અને આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસ હવે ફૂટેજના આધારે અકસ્માત સર્જનાર વાહન અને તેના ચાલકની ઓળખ મેળવવાના પ્રયાસ કરી રહી છે.
શહેરના અન્ય ત્રણ અકસ્માતમાં પણ ત્રણ લોકોના મોત
અમદાવાદમાં બનેલી અન્ય અકસ્માતની ઘટનાઓમાં પણ ત્રણ લોકોના મોત થયા છે. આસ્ટોડિયા દરવાજાથી ગીતામંદિર ST સ્ટેન્ડ તરફ જતા રોડ પર રિક્ષાની અડફેટે એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું. આ મામલે 'K' ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત કૃષ્ણનગરના વિજયપાર્ક બસ સ્ટેન્ડ નજીક અકસ્માતમાં 50 વર્ષીય આધેડનું મોત થયું હતું. જ્યારે કાંકરિયા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પ્રેમચંદભાઈ પરમાર કાગડાપીઠ T-પોઇન્ટ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રિક્ષાની અડફેટે આવ્યા હતા. ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. આમ, શહેરમાં બનેલી અલગ-અલગ ચાર અકસ્માતની ઘટનાઓમાં કુલ ચાર લોકોના જીવ ગયા છે.








