Scorpio driver attacks trader Rajkot: રાજકોટમાં ગાડી હટાવવાની બાબતે જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો એટલો બિચક્યો હતો કે, આ આખીય ઘટના હિંસક બની ગઈ હતી. આ સમયે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ હુમલો કરનાર આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સામાન્ય બાબતમાં કરાયો હુમલો
મળતી માહિતી મુજબ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાણાંવટી ચોક પાસેની વીતરાગ સોસાયટીમાં જલારામ જયંતિના પર્વની ઉજવણી થઈ રહી હતી. સોસાયટીમાં રહેતા 41 વર્ષીય અંકિત શેઠ રવિવારે (15 નવેમ્બર) રાત્રે અન્ય યુવકો સાથે સોસાયટીમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરે જલારામ જયંતિની તૈયારીઓ કરી રહ્યા હતા. આ દરમિયાન મંદિર પાસે તેમનો શાકભાજીથી ભરેલો 'છોટા હાથી' પાર્ક હતો. આ તમામની વચ્ચે ત્યાં સોસાયટીમાં ભાડે રહેતી એક મહિલાના સંબંધિ સ્ક્રોર્પિયો લઈને આવ્યા અને બંને વાહન આમને-સામને આવી ગયા. ગાડી હટાવવા અને રસ્તો કરવા બાબતે બંને પક્ષ તરફથી સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, બાદમાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભુત એકદમથી ઉશ્કેરાઇ ગયો અને તેણે ગાડીમાંથી તીક્ષ્ણ હથિયાર કાઢીને અંકિત શેઠ પર હુમલો કરી દીધો અને ઢીકાપાટું વડે પણ માર મારવા લાગ્યો. વાત આટલેથી પૂરી ન કરતાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભૂતે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા પણ માર્યા.
પોલીસને જોતા જ આરોપી થયો ફરાર
સમગ્ર ઘટનાથી આસપાસના લોકો અને સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા અને તેમણે 112 પોલીસની ઇમરજન્સી વેનને બોલાવી દીધી. જોકે, પોલીસની ગાડી આવતા જોઈ આરોપી ઉમંગ ભુત પોતાની સ્કોર્પિયો ઘટનાસ્થળે જ મૂકીને ભાગી ગયો અને જતા-જતા પણ તેણે અંકિત શેઠને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ગુનો નોંધી પોલીસે આરોપીની કરી અટકાયત
આરોપી ત્યાંથી ભાગી ગયો બાદમાં પીડિત અંકિત શેઠને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેને ગળાના ભાગે ટાંકા લેવામાં આવ્યા. સારવાર બાદ પીડિતને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પીડિત અંકિત શેઠે આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આરોપી વિરૂદ્ધ BNSની કલમ 115(2), 118(1), 352, 351(2) તથા જી.પી.એકટ.કલમ.135(1) દાખલ કરી તેની અટકાયત કરી લીધી છે.








