Saurashtra Kutch rain: ગુજરાતમાં લાંબા સમયથી વરસાદના વિરામ વચ્ચે બુધવાર, 9 સપ્ટેમ્બરે અમરેલી, કચ્છ, જામનગર સહિતના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમરેલીના અનેક તાલુકા, કચ્છના કેટલાક વિસ્તારો અને જામનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડ્યા હતા. દરમિયાન હવામાન વિભાગે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.
કોસ્ટલ બેલ્ટમાં પણ સારો વરસાદ નોંધાયો
અમરેલી જિલ્લામાં ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. ખાંભાના રબારીક ગામ, સાવરકુંડલાના દાધીયા અને હાડીડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ખડસલી ગામમાં ધોધમાર વરસાદ બાદ કોસ્ટલ બેલ્ટમાં પણ સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે જાફરાબાદ શહેરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. દોઢેક મહિનાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને ઝાપટાં પડતાં થોડી રાહત મળી છે.
ભુજના કોટડા ચકારમાં પણ હળવો વરસાદ નોંધાયો
કચ્છમાં પણ લાંબા વિરામ બાદ સવારના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા, જ્યારે અબડાસાના સિંધોડી મોટી, નખત્રાણાના મથલ અને ભુજના કોટડા ચકારમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ જામનગર જિલ્લામાં આશરે 42 દિવસના વિરામ બાદ વરસાદે ફરી એન્ટ્રી કરી છે. જામનગર શહેરમાં બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી છાંટા પડ્યા હતા. ધ્રોલમાં આશરે 5 મિ.મી. વરસાદ નોંધાયો, જ્યારે કાલાવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.
વરસાદથી પાકને જીવનદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી
લાંબા સમયથી વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ચિંતા વધી હતી, ત્યારે હવે પડેલા વરસાદથી પાકને જીવનદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય થઈ શકે છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેતી માટે મોટી રાહત મળી શકે છે, જેના કારણે ખેડૂતોની નજર હવે આગામી વરસાદી રાઉન્ડ પર ટકેલી છે.








