IndiGo Flight Lightning Strike: પટનાથી અમદાવાદ તરફ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ (6E925) બુધવારે સાંજે ખરાબ હવામાન વચ્ચે આકાશી વીજળીની ચપેટમાં આવી ગઈ હતી. આ ઘટના સમયે વિમાન જમીનથી આશરે 17,000 ફૂટની ઊંચાઈએથી પસાર થઈ રહ્યું હતું. વીજળીના જોરદાર આંચકાને કારણે વિમાનના આગળના મુખ્ય ભાગ એટલે કે 'નોઝ કોન'ને ભારે નુકસાન પહોંચ્યું હતું અને મોટો ખાડો પડી ગયો હતો. જોકે, કોઈ મોટી અપ્રિય ઘટના ઘટે તે પહેલાં જ પાયલટે અત્યંત સૂઝબૂઝ અને ધૈર્ય દર્શાવીને વિમાનને લખનઉના ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારી લીધું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું એરપોર્ટ તંત્રે સ્પષ્ટ કર્યું હતું.
પટના-લખનઉ-અમદાવાદ રૂટનું સંપૂર્ણ સમયપત્રક અને મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઈટ
ઈન્ડિગોની આ ફ્લાઈટે બુધવારે બપોરે 3:10 વાગ્યે પટના એરપોર્ટ પરથી અમદાવાદ જવા માટે ઉડાન ભરી હતી, જેમાં વચ્ચે લખનઉ ખાતે સ્ટોપઓવર નિર્ધારિત હતું. સામાન્ય શેડ્યુલ મુજબ વિમાન સાંજે 4:20 વાગ્યે લખનઉ પહોંચવાનું હતું પરંતુ, ખરાબ હવામાન અને વીજળી પડવાની ઘટના બાદ નિર્ધારિત સમય કરતાં વહેલા એટલે કે સાંજે 4:05 વાગ્યે જ પાયલટે સુરક્ષિત લેન્ડિંગ કરાવી દીધું હતું. ઉતરાણ બાદ ટેક્નિકલ એન્જિનિયરોની ટીમે તપાસ કરતા નોઝ કોન પર મોટો ખાડો જોવા મળ્યો હતો, જેના કારણે વિમાનને આગળ ઉડાન ભરવા માટે અયોગ્ય ગણાવી 'એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ' (AOG) જાહેર કરાયું હતું. ત્યારબાદ ઈન્ડિગોએ મુસાફરો માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરી સાંજે 6.22 વાગ્યે તમામ મુસાફરોને અમદાવાદ માટે રવાના કર્યા હતા.

જૂન માસમાં પણ કલકત્તા એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાન પર ત્રાટકી હતી વીજળી
વિમાન પર વીજળી ત્રાટકવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ અગાઉ 19 જૂન, 2026ના રોજ પણ કલકત્તાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગ્રાઉન્ડ થયેલા ઈન્ડિગોના વિમાન (6E6068) પર વાવાઝોડા દરમિયાન આકાશી વીજળી પડી હતી. તે સમયે વિમાનમાં 141 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. સદનસીબે તે ઘટનામાં પણ કોઈ મુસાફરને ઈજા પહોંચી ન હતી અને મુસાફરોને અન્ય વિમાન મારફતે અગરતલા મોકલવામાં આવ્યા હતા. જોકે, ગ્રાઉન્ડ સ્ટાફના બે સભ્યોને આંચકો લાગતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
હવામાં ઉડતા વિમાન પર વીજળી પડે ત્યારે શું થાય છે?
સામાન્ય રીતે આકાશી વીજળી વિમાનના સૌથી આગળના અણીદાર ભાગ (નોઝ) અથવા પાંખોના છેડા (વિંગ ટિપ્સ) સાથે અથડાતી હોય છે. વિમાનની બહારની સપાટી એલ્યુમિનિયમ અને અન્ય વાહક ધાતુઓમાંથી એવી રીતે બનાવવામાં આવે છે કે જે 'ફેરાડે કેજ' તરીકે કામ કરે છે. આ ટેકનોલોજીને કારણે વીજળીનો હાઈ-વોલ્ટેજ કરંટ વિમાનની અંદર પ્રવેશવાને બદલે માત્ર બહારની મેટલ બોડી પરથી પસાર થઈને પાછળના ટેઈલના ભાગેથી હવામાં વિસર્જિત થઈ જાય છે. વિમાનમાં લગાવેલા 'સ્ટેટિક વિક્સ' વધારાના વીજભારને સુરક્ષિત રીતે બહાર ફેંકી દે છે.
મુસાફરોને વીજળીનો આંચકો કેમ નથી લાગતો?
ફેરાડે કેજના સિદ્ધાંતને કારણે વિમાનની અંદર બેઠેલા મુસાફરો સુધી વીજળીનો કરંટ ક્યારેય પહોંચતો નથી. જોકે, વીજળી પડે ત્યારે મુસાફરોને તીવ્ર અવાજ (ધડાકો) અને કેબિન બહાર આંખો અંજાઈ જાય તેવો કાનફાડ ચમકારો જરૂર અનુભવાય છે. જો વિમાનના ઈલેક્ટ્રોનિક અને નેવિગેશન સિસ્ટમ સામાન્ય હોય તો વિમાન ઉડાન ચાલુ રાખી શકે છે, પરંતુ લેન્ડિંગ બાદ સિવિલ એવિએશન રેગ્યુલેટર (DGCA) ના કડક પ્રોટોકોલ મુજબ વિમાનનું સઘન ટેકનિકલ ઈન્સ્પેક્શન અનિવાર્ય છે. આ કિસ્સામાં પણ ડીજીસીએ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને ક્લિયરન્સ મળ્યા બાદ જ વિમાનને ફરી સેવાઓમાં સામેલ કરાશે.








