Sanathal Warehouse Gadget Theft: અમદાવાદના સનાથલ સર્કલ નજીક નવાપુરા ગામની સીમમાં આવેલી ઇન્ગ્રામ માઇક્રો કંપનીના વેરહાઉસમાંથી અંદાજે રૂ. 1 કરોડના કિંમતી ગેજેટ્સની ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરો વેરહાઉસના પાછળના ભાગે આવેલા ખુલ્લા ખેતર તરફથી આવ્યા હતા અને પતરું તોડીને અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ આઇફોન, આઇપેડ, એપલ વોચ અને લેપટોપ સહિતનો કિંમતી સામાન લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ચાંગોદર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સિક્યોરિટી ગાર્ડે તપાસ કરતાં ચોરીનો ભાંડો ફૂટ્યો
મળતી માહિતી મુજબ, જગતપુરના ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા સુધીર નાયર સનાથલ સર્કલ નજીક નવાપુરા ગામની સીમમાં આવેલા ઇન્ગ્રામ માઇક્રો કંપનીના વેરહાઉસમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. 21 ઓક્ટોબરની રાત્રે 1થી 2:30 વાગ્યાની વચ્ચે સિક્યોરિટી ગાર્ડે તપાસ કરતાં વેરહાઉસના પાછળના ભાગનાં પતરાં તૂટેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. અંદર તપાસ કરતાં વિવિધ પાર્સલ પણ તૂટેલાં હતાં અને તેમાંથી કિંમતી સામાન ગાયબ હોવાનું જણાયું હતું. આ અંગે મેનેજર સુધીર નાયરને જાણ કરવામાં આવતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તપાસ કરતાં મોટા પ્રમાણમાં ગેજેટ્સની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.
iPhone 17થી Apple Watch સુધીનો સામાન ગાયબ
ચોરી થયેલા સામાનમાં વિવિધ કંપનીનાં મોંઘાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો સમાવેશ થાય છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચોરો નીચેનો સામાન લઈ ગયા હતા:
40 નંગ iPhone 17
30 નંગ iPhone 16
ડેલ કંપનીનાં 15 લેપટોપ
HP કંપનીનાં 11 લેપટોપ
36 Apple Watch
20 iPad કીબોર્ડ
iPad Pro અને લેપટોપની બેગ સહિત અન્ય સામાન
ચોરી થયેલા સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 1 કરોડ હોવાનું જણાવાયું છે. આટલી મોટી સંખ્યામાં કિંમતી ગેજેટ્સની ચોરી થતાં પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેતર તરફથી આવ્યા, પતરું તોડીને અંદર ઘૂસ્યા
વેરહાઉસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પ્રાથમિક રીતે એવું સામે આવ્યું હોવાનું જણાવાયું છે કે તસ્કરો પાછળના ખુલ્લા ખેતર તરફથી આવ્યા હતા. તેમણે વેરહાઉસના પતરાં તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરી કર્યા બાદ એ જ માર્ગે નાસી ગયા હતા. આ ઘટનામાં ચોરો વેરહાઉસમાં કેવી રીતે પ્રવેશ્યા અને આટલો મોટો જથ્થો કેવી રીતે બહાર લઈ ગયા તે સહિતનાં પાસાંની તપાસ કરવામાં આવી રહી છે.
ચાંગોદર પોલીસ અને LCBની તપાસ શરૂ
ઘટનાને પગલે ચાંગોદર પોલીસની સાથે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે પણ તપાસ શરૂ કરી છે. પોલીસ CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ વિગતોના આધારે તસ્કરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ચોરીમાં કોઈ જાણભેદુ વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતાને પણ ધ્યાનમાં રાખીને તપાસ થઈ રહી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈની સંડોવણીની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ તપાસ આગળ વધતાં ચોરીના સમગ્ર મામલાની વધુ વિગતો સામે આવી શકે છે.








