Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સપ્તેશ્વર નજીક સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. મહેસાણાથી આવેલા ચાર યુવકો મૂર્તિ વિસર્જન બાદ નદીમાં નાહવા પડ્યા હતા. દરમિયાન પાણીની ઊંડાઈ અને પ્રવાહનો અંદાજ ન રહેતાં બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
દશામાની મૂર્તિ વિસર્જન બાદ નદીમાં નાહવા પડ્યા
મળતી માહિતી મુજબ, દશામા વ્રતના વિસર્જન માટે મહેસાણાથી ચાર યુવકો સપ્તેશ્વર ખાતે આવ્યા હતા. સાબરમતી નદીમાં શ્રદ્ધાપૂર્વક દશામાની મૂર્તિનું વિસર્જન કર્યા બાદ ચારેય યુવકો નદીમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન બે યુવકો પાણીના ઊંડા ભાગમાં પહોંચી જતાં પ્રવાહમાં તણાઈ ગયા હતા.
ફાયર ટીમોએ કલાકો સુધી શોધખોળ કરી
બે યુવકો ડૂબી ગયાની જાણ થતાં નદી કિનારે હાજર સ્થાનિકો અને અન્ય શ્રદ્ધાળુઓ એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઈડર, હિંમતનગર અને વિજાપુરથી ટીમો બચાવ સાધનો સાથે સપ્તેશ્વર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સાબરમતી નદીમાં કલાકો સુધી શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
18 વર્ષના બે યુવકોના મોતથી પરિવારમાં આક્રંદ
મૃતકોની ઓળખ 18 વર્ષીય નવદીપ રાવત અને 18 વર્ષીય રાજવીર ઠાકોર તરીકે થઈ છે. બનાવની જાણ થતાં જાદર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. દશામાની મૂર્તિ વિસર્જન જેવા ધાર્મિક પ્રસંગે બનેલી આ કરુણ ઘટનાથી બંને પરિવારોમાં ભારે આક્રંદ અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.








