Rishi Bharti Bapu statement on Kunvarji Bavaliya CM: ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ ગરમાયેલો છે અને મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચા અને વિવાદો શરૂ થઈ ચુક્યા છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનથી શરૂ થયેલી આ ચર્ચા ખતમ થવાનું નામ નથી લઈ રહી. પહેલાં રાજનેતાઓ અને સામાજિક આગેવાનોએ પબુભાના 'કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ...'ના નિવેદન પર પ્રતિક્રિયાઓ આપી હતી અને હવે સંતોએ પણ આ મામલે ઝંપલાવ્યું છે. ઋષિ ભારતી બાપુ દ્વારા પબુભાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી તેમનું સમર્થન કરવામાં આવ્યું છે.
ઋષિ ભારતી બાપુએ આપ્યું સમર્થન
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં બાવળિયા પરિવારના પ્રાગટ્ય મેલડી માતાના મંદિરમાં યોજાયેલા માંડવામાં હાજરી આપવા માટે ઋષિ ભારતી બાપુ પહોંચ્યા હતા. અહીં ઋષિ ભારતી બાપુએ જાહેર મંચ પરથી દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનને ટેકો આપ્યો હતો. તેમણે ગુજરાતમાં કોળી સમાજનો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હોવો જોઈએ તે વાતનું સમર્થન કર્યું હતું. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે, 'સત્તામાં ભાગીદારી વખતે સમાજને ભૂલી જવાય છે, જે સ્થિતિ હવે ચલાવી લેવામાં નહીં આવે.'
કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ
ઋષિ ભારતી બાપુએ સમાજ વિશે વાત કરતા કહ્યું હતું કે, 'ગુજરાતમાં 18 ટકા વસ્તી ધરાવતા કોળી સમાજને સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી અને મહત્ત્વના હોદ્દા અપાતા નથી. કુંવરજી બાવળિયા સમાજના અનુભવી નેતા છે, તેમનામાં મુખ્યમંત્રી બનવાની ક્ષમતા છે. જો સમાજ સંગઠિત થઈને આ વિશે વાત માંગ કરશે તો પાર્ટીએ પણ વિચારવું પડશે.'
ભાજપ પર નારાજ થયા ઋષિ ભારતી બાપુ
આ સિવાય બાપુએ ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 'ચૂંટણી સમયે મત જોઈએ છે, પરંતુ સત્તામાં ભાગીદારી વખતે સમાજને ભૂલી જાય છે. હવે આ સ્થિતિ ચલાવી લેવામાં નહીં આવે. સમાજને જાગૃત અને સંગઠિત થવું જોઈએ અને આ માટે યુવાનોએ આગળ આવવું જોઈએ.'
ગુજરાતમાં રાજકારણ ગરમાયું
નોંધનીય છે કે, ઋષિ ભારતી બાપુના આ નિવેદન બાદથી ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. હવે ઋષિ ભારતી બાપુના આ નિવેદનની રાજકીય શું અસર થાય છે તે જોવું રહ્યું.








