Rickshaw fell into the river: રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચીલોડાથી સેક્ટર-30 સર્કલ તરફ જતા સાબરમતી નદી પર આવેલા બ્રિજ પરથી એક ઓટો રિક્ષા અચાનક બેકાબૂ બની રેલિંગ તોડીને નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, બ્રિજ પર હાલ રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. બંને બાજુ સુરક્ષાના ભાગરૂપે પતરા મારવામાં આવ્યા હતા. જોકે, પ્રાથમિક માહિતી અનુસાર પૂરતી ચેતવણી અને સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોમાં તંત્રની બેદરકારીને લઈને રોષ જોવા મળી રહ્યો છે.
ઓટો રિક્ષામાં સવાર લોકોની શોધખોળ હાથ ધરાઈ
અકસ્મતમાં ઓટો રિક્ષા સીધી જ રેલિંગ સાથે અથડાઈ અને રેલિંગ તોડી નદીના પાણીમાં પટકાઈ હતી. ઘટનાના પગલે આસપાસ હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે બચાવ સાધનોની મદદથી નદીમાં ઉતરી તપાસ શરૂ કરી હતી. બચાવ કામગીરી દરમિયાન ઓટો રિક્ષામાં સવાર લોકોની શોધખોળ હાથ ધરાઈ હતી. પ્રાથમિક તબક્કે તેમને બહાર કાઢવા માટે દોરડા અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બ્રિજ પર ટ્રાફિક નિયંત્રણ માટે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી અન્ય કોઈ અકસ્માત ન બને.
સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠાવી
આ ઘટનાને કારણે થોડા સમય માટે બ્રિજ પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. પોલીસ દ્વારા વાહનોને વિકલ્પ માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે CCTV ફૂટેજ તેમજ પ્રાથમિક સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ બ્રિજના રિપેરિંગ દરમિયાન વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠાવી છે. તંત્ર તરફથી જણાવાયું છે કે સમગ્ર ઘટનાની તપાસ કરીને જો કોઈ બેદરકારી સામે આવશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે. હાલ બચાવ અને તપાસ કામગીરી ચાલુ છે.








