Gujarat Revenue Employees Strike: પ્રોમોશન, ફિક્સ પે, બદલી, સિનિયરિટી અને જોબચાર્ટ સુધારા સહિતની વિવિધ 14 જેટલી લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આજરોજ સમગ્ર ગુજરાતના અંદાજે 10 હજારથી વધુ ક્લાસ-3ના મહેસૂલી ક્લાર્ક, તલાટીઓ અને નાયબ મામલતદારો માસ સીએલ પર ઊતરી ગયા છે. કર્મચારીઓના આ સામૂહિક વિરોધ પ્રદર્શનને કારણે રાજ્યભરના જિલ્લા કલેક્ટર કચેરીઓ, પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓમાં સરકારી કામકાજ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. કર્મચારી મહામંડળે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આવતીકાલ સુધીમાં સરકાર દ્વારા આ માગણીઓનો સકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે તો 7મી ઓક્ટોબરથી રાજ્યભરમાં અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવશે.
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કચેરીઓ સૂમસામ
રાજ્યના મુખ્ય શહેરોમાં હડતાલની વ્યાપક અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લામાં જ 450થી વધુ મહેસૂલ કર્મચારીઓ હડતાલ પર ઊતરતા કચેરીઓમાં ખાલી ખુરશીઓ જોવા મળી હતી. વડોદરા જિલ્લા મહેસૂલી વિભાગના 350થી વધુ કર્મચારીઓ 100% હાજરી સાથે માસ સીએલમાં જોડાયા છે. સુરતમાં 500થી વધુ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે, જેમાં 400થી વધુ કર્મચારીઓએ સરકારી વોટ્સએપ ગ્રુપ્સમાંથી લેફ્ટ થઈને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના 450 રેવન્યુ અધિકારીઓ અને કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો.
જનસેવા કેન્દ્રો અને મહેસૂલી કામગીરી ઠપ્પ થતાં અરજદારો અટવાયા
કર્મચારીઓની હડતાલ અને અસહકારના આંદોલનને કારણે સામાન્ય નાગરિકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જનસેવા કેન્દ્રો પર આવક, જાતિ અને નોન-ક્રીમીલેયરના પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા અટકી ગઈ છે. દરરોજ રાજ્યભરમાં 1500થી વધુ લોકો દાખલા કઢાવવા આવે છે, જેઓ આજે ખાલી હાથે પરત ફર્યા હતા. આ ઉપરાંત, જમીન મહેસૂલ, એન.એ. પરવાનગીઓ, જમીન રી-સર્વે, સીમાડા માપણી, દસ્તાવેજ નોંધણી અને ઈ-ધરા કેન્દ્રની મહત્વપૂર્ણ કામગીરી અટકી પડી છે. દરરોજ 300થી વધુ ખેડૂતો અને જમીનધારકો 7-12 તથા 8-(અ)ના ઉતારા અને હકપત્રકની નોંધો માટે આવે છે, જેમના કામો પણ અટકી ગયા છે.
38થી વધુ રજૂઆતો છતાં નિર્ણય શૂન્ય
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના હોદ્દેદારોના જણાવ્યા મુજબ, કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે છેલ્લા એક વર્ષમાં સરકારમાં 38થી વધુ વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. અગાઉ સરકારે તમામ પ્રશ્નોનો 30 દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, પરંતુ સમયગાળો પૂર્ણ થવા છતાં એક પણ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. વડોદરા અને સુરતના મંડળના પ્રમુખોએ સ્પષ્ટતા કરી છે કે આ માંગણીઓ સ્વીકારવાથી સરકાર પર કોઈ વધારાનું નાણાકીય ભારણ આવવાનું નથી, કારણ કે 2012ની ભરતીના નાયબ મામલતદારો અગાઉથી જ મામલતદારનું ઉચ્ચતર પગારધોરણ મેળવી રહ્યા છે.
સરકારનો કડક વલણનો આદેશ અને કર્મચારીઓની 'વર્ક ટુ રૂલ'ની ચીમકી
બીજી તરફ, આંદોલનને પગલે રાજ્ય સરકારે કડક વલણ અપનાવી તમામ જિલ્લા કલેક્ટરોને કર્મચારીઓને ફરજ પર હાજર રાખવા સૂચના આપી છે અને બગર પરવાનગીએ માસ સીએલ લેનારા કર્મચારીઓ સામે 'સર્વિસ બ્રેક' તથા શિસ્તભંગના પગલાં લેવાની ચેતવણી આપી છે. જોકે, કર્મચારી મહામંડળે મક્કમતા દર્શાવતા જણાવ્યું છે કે સરકારની ધમકીઓથી આંદોલન પાછું ખેંચાશે નહીં. જો ૭મી ઓક્ટોબરથી અચોક્કસ મુદતના આંદોલનની જરૂરિયાત ઊભી થશે તો તે સમય દરમિયાન "વર્ક ટુ રૂલ" (Work To Rule) મુજબ જ કામગીરી કરવામાં આવશે અને જાહેર રજાઓ કે સપ્તાહના અંતે લેવાતી અતિરિક્ત સરકારી કામગીરીથી તમામ કર્મચારીઓ તદ્દન અલિપ્ત રહેશે.








