Red chilli price hike 2026: આ વર્ષે લાલ મરચાના બજારમાં અનોખી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સીઝન પૂરેપૂરી શરૂ થાય તે પહેલાં જ સુકા મરચાના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ભાવ બમણા કે તેનાથી વધુ વધી જતા વેપારીઓ અને ગ્રાહકો બંને ચિંતિત બન્યા છે. ખાસ કરીને ઘરેલુ વપરાશ માટે મસાલાની ખરીદી કરનારા લોકો માટે આ વધારો સીધી અસર કરનાર છે.
પુરવઠામાં ઘટાડાનો અંદાજ
વર્ષ 2024 દરમિયાન દેશભરમાં અંદાજે 29 લાખ ટન જેટલું લાલ મરચાનું ઉત્પાદન થયું હતું. તેમાં ગુજરાતનો ફાળો આશરે 27 હજાર ટન રહ્યો હતો. રાજ્યના ગોંડલ સહિતના વિસ્તારોમાં ઉત્પાદન થતું મરચું તેની તીખાશ અને વિશિષ્ટ સ્વાદને કારણે ઓળખાય છે. તેમ છતાં, આ વર્ષે હવામાનની અનિશ્ચિતતા અને પાકને થયેલા નુકસાનના કારણે પુરવઠામાં ઘટાડાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જેના કારણે બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે.
ભાવમાં સતત વધારો
માર્કેટિંગ યાર્ડના વેપારીઓ મુજબ, ફેબ્રુઆરી 2025માં સુકા મરચાના 20 કિલોના જથ્થાબંધ ભાવ રૂ. 800થી રૂ. 2300ની વચ્ચે હતા. સમય જતાં આ ભાવમાં સતત વધારો નોંધાતો ગયો અને લગભગ એક મહિના પહેલા તે રૂ. 2600થી રૂ.4400 સુધી પહોંચી ગયા હતા. છેલ્લા એક મહિનામાં જ ભાવમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં 20 કિલોના ભાવ રૂ.3700થી લઈને રૂ. 6450 સુધી નોંધાયા છે. માત્ર એક મહિનામાં જ રૂ.1100થી રૂ. 2000 જેટલો વધારો નોંધાવો બજાર માટે નોંધપાત્ર ઘટના ગણાય છે.
ભાવ વધારાની અસર છૂટક બજારમાં પણ સ્પષ્ટ રીતે દેખાઈ
આ જંગી વધારાની અસર છૂટક બજારમાં પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. સારી ગુણવત્તાના સુકા મરચા અને મરચા પાવડરના ભાવ પ્રતિ કિલો રૂ. 50થી રૂ. 100 જેટલા વધી ગયા છે. આ વધારાથી સામાન્ય પરિવારોના રસોડાના ખર્ચમાં વધારો થવાનો અંદાજ છે.
ભાવવધારાનું મુખ્ય કારણ
દેશમાં મરચાનું સૌથી વધુ ઉત્પાદન આંધ્રપ્રદેશમાં થાય છે, જ્યાં આશરે 10 લાખ ટન મરચું થાય છે, પરંતુ આ વર્ષે ત્યાં પ્રતિકૂળ હવામાન, અનિયમિત વરસાદ અને ક્લાયમેટ ચેન્જના પ્રભાવને કારણે પાકને મોટાપાયે નુકસાન થયું હોવાના અહેવાલો છે. ઉત્પાદન ઘટવાથી રાષ્ટ્રીય સ્તરે પુરવઠા પર અસર પડી છે, જે ભાવવધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
સીઝન શરૂ થાય તે પહેલાં જ ભાવ આસમાને પહોંચ્યા
સામાન્ય રીતે ધુળેટી બાદ મરચા પાવડરની ખરીદીમાં તેજી આવતી હોય છે. ગૃહિણીઓ વર્ષભરના મસાલાની ખરીદી માર્ચ મહિનામાં જ કરતી હોય છે, પરંતુ આ વખતે સીઝન શરૂ થાય તે પહેલાં જ ભાવ આસમાને પહોંચતા લોકોમાં ચિંતા વધતી જોવા મળે છે. જો આગામી સમયમાં પુરવઠાની સ્થિતિ સુધરશે નહીં, તો મસાલા બજારમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.








