Rajkot superstition incident: રાજકોટ શહેરમાં ફરી એક વાર માણસાઈને શરમાવે એવી અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા એક વિસ્તારમાં એક પરિવારે પોતાની માન્યતાઓને આધાર બનાવીને માંડવાનું આયોજન કર્યું હતું, જેમાં અનેક નિર્દોષ પશુઓના જીવ જોખમમાં મુકાયા હતા.
પિતાએ રાખી હતી બાધા
દીકરાની તબિયત લાંબા સમયથી ન સુધરતા તેના પિતાએ બાધા રાખીને પશુઓની બલિ આપવાનું નક્કી કર્યું હતું. આ પરંપરાનું પાલન કરવાના નામે કુલ 16 પશુઓની બલિ ચઢાવવાની તૈયારી હતી, જેમાંથી 6 બકરાના જીવ જઈ ચૂક્યા હતા. સમયસર મળેલી માહિતીના આધારે જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડી આ અનૈતિક કૃત્યને રોકવાનો પ્રયાસ કર્યો છે. દરોડા દરમિયાન 9 જેટલા પશુઓને બલિ ચઢાવાથી બચાવી શકાયા હતા.
મહિલાએ સત્ય સ્વીકાર્યું
પોલીસ દળની હાજરી જોવા મળતા ત્યાં હાજર મોટા ભાગના પુરુષો ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા, જ્યારે મહિલાઓ ત્યાં જ રહી ગઈ હતી. માંડવામાં હાજર રહેલી એક મહિલાએ સ્વીકાર્યું કે પરિવાર વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર બલિ આપતો આવ્યો છે. તેણે જણાવ્યું કે, દીકરાની બીમારીને કારણે તેના પતિએ માનતા રાખી હતી અને આ કારણે બલિ આપવાની હતી.
ફરાર થયેલા આરોપીઓની શોધ શરૂ
દરોડા બાદ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધ્યો છે અને ફરાર થયેલા આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે. સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે પોલીસ આગળની તપાસને ગતિ આપી રહી છે. બલિમાંથી બચાવવામાં આવેલા તમામ પશુઓને તાત્કાલિક સારવાર માટે પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની યોગ્ય સંભાળ લેવામાં આવી રહી છે.








