Rajkot news: રાજકોટના મવડી પ્લોટમાં જૂની અદાવતને લઈને પાડોશી વચ્ચેનો વિવાદ હિંસક બની ગયો હતો. અમરનગર શેરી નંબર-1માં રહેતા 34 વર્ષીય રિક્ષાચાલક કિશનભાઈ રમેશભાઈ મેવાડા પર તેમના જ પાડોશી દીપ કૃષ્ણસિંહ જાડેજાએ કૂતરા બાંધવાની લોખંડની સાંકળ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આટલેથી ન અટકતા આરોપીએ પોતાનો પાળેલો જર્મન શેફર્ડ કૂતરો પણ કિશનભાઈ પર છોડી દીધો હતો. કૂતરાએ હાથ અને પગમાં બચકાં ભરતાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. સમગ્ર મામલે કિશનભાઈએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
દીપ જર્મન શેફર્ડ કૂતરાને લઈને ત્યાં આવ્યો
ફરિયાદ મુજબ, ગઈકાલે સાંજે આશરે સાત વાગ્યે કિશનભાઈ પોતાના ઘર પાસે રિક્ષા લઈને બેઠા હતા. તે સમયે પાડોશમાં રહેતો દીપ જર્મન શેફર્ડ કૂતરાને લઈને ત્યાં આવ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આરોપીએ કિશનભાઈને ગાળો આપી 'તમે ક્રાઈમ બ્રાન્ચમાં મારી વાતો કરો છો' તેમ કહી જૂના મોબાઈલના મુદ્દે પણ હેરાન કરવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા દીપે કૂતરાને બાંધવા માટેની લોખંડની સાંકળથી કિશનભાઈને માર માર્યો હતો.
બચકાં ભરતાં ગંભીર ઈજાઓ થઈ હતી
આરોપીએ ત્યારબાદ જર્મન શેફર્ડ કૂતરાને કિશનભાઈ પર છોડી દીધો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. કૂતરાએ કિશનભાઈના ડાબા હાથ, જમણા હાથ અને ડાબા પગ પર બચકાં ભરતાં ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. બીજી તરફ સાંકળના પ્રહારથી કપાળ તથા જમણી આંખ પાસે પણ મૂઢ ઈજાઓ થઈ હતી. હુમલાથી બચવા કિશનભાઈ જેમતેમ કરીને પોતાના ઘરમાં દોડી ગયા હતા. જોકે, આરોપીએ તેમના ઘર પાસે પહોંચી તેમની પત્ની પૂનમબેન સાથે પણ ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ છે.
પિતા રમેશભાઈએ તાત્કાલિક 112 અને 108 પર જાણ કરી
ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી કૂતરા સાથે ત્યાંથી નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ કિશનભાઈને તેમના પિતા રમેશભાઈએ તાત્કાલિક 112 અને 108 પર જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ઈજાગ્રસ્ત કિશનભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માલવીયાનગર પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.








