Rajkot Jetpur highway: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ નજીક ગુંદાળા ચોકડી પાસે ગત રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે માનવ સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઓવરલોડિંગ અને બેદરકારી કેવી રીતે જાનલેણ બની શકે તેનું આ ઘટનાએ કરૂણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, રાજકોટથી જેતપુર તરફ જઈ રહેલી એક બોલેરો પીકઅપ ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા જ ચાલકે ગાડી પરનો કાબૂ ગુમાવ્યો અને વાહન બ્રિજની સુરક્ષા દીવાલ સાથે જોરદાર અથડાયું. ટક્કર એટલી ભયાનક હતી કે ગાડી પલટી મારી ગઈ અને તેના ઉપર સૂતા શ્રમિકો સીધા નીચે રોડ પર પટકાયા.
અજાણ્યા શ્રમિકનું કરૂણ મોત નિપજ્યું
આ પીકઅપમાં માછીમારીની જાળ અને ગેસના ખાલી સિલિન્ડરો ભરેલા હતા, જેના ઉપર આશરે 15 જેટલા શ્રમિકો સૂતા હતા. અકસ્માત સમયે તેઓ કોઈ સુરક્ષા વિના મુસાફરી કરી રહ્યા હતા. ગાડી પલટી જતા આ શ્રમિકો લગભગ 30 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રીતેષ સહની સહિત એક અજાણ્યા શ્રમિકનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે ગુલાબ રામબલી સહની, શની અજય સહની, વિકાસકુમાર મીતલેશ સહની અને ચંદન નરેશ માજી સહિતના શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઓવરલોડિંગ અને સુરક્ષાના નિયમોની અવગણના
અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને માનવતા દાખવતા 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોના પરિવારજનોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે ત્યાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઓવરલોડિંગ અને સુરક્ષાના નિયમોની અવગણના આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના ફરી એકવાર સૂચવે છે કે શ્રમિકોને જોખમી પરિસ્થિતિમાં વાહન ઉપર બેસાડીને મુસાફરી કરાવવી કેટલું જોખમી બની શકે છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કડક ટ્રાફિક નિયમોનું પાલન અને વાહન વ્યવસ્થામાં સુરક્ષાને પ્રાથમિકતા આપવી હવે અત્યંત આવશ્યક બની ગયું છે.








