Rajkot News: રાજકોટ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીઓને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જામકંડોરણા પોલીસે શરૂ કરેલી તપાસનો વ્યાપ હવે જેતપુર સુધી પહોંચ્યો છે. આ ગેંગના સભ્યોના કોલ ડિટેલ રેકોર્ડ (CDR) તપાસતા જાણવા મળ્યું છે કે અનેક લોકો આ હનીટ્રેપનો શિકાર બન્યા છે. તાજેતરમાં જેતપુરના એક વેપારીએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવતા પોલીસે ગેંગના બે મહિલા સભ્યો સહિત સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયાથી સંપર્ક અને નિર્જન સ્થળે જાળ
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ ટોળકી અત્યંત શાતિર રીતે કાર્યરત હતી. ગેંગની મહિલા સભ્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સંપન્ન વેપારીઓના નંબર મેળવી તેમને 'હાય-હેલો' ના મેસેજ કરતી હતી. જેતપુરના ભોગ બનનાર વેપારી સાથે પણ આ જ રીતે વ્હોટ્સએપ પર ચેટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. વિશ્વાસ કેળવ્યા બાદ મહિલાએ વેપારીને મળવા માટે બોલાવ્યા હતા.
મહિલા વેપારીને કારમાં એક અવાવરું જગ્યાએ લઈ ગઈ
યોજના મુજબ, મહિલા વેપારીને પોતાની કારમાં એક અવાવરું (નિર્જન) જગ્યાએ લઈ ગઈ હતી. ત્યાં ગાડીમાં મહિલાએ વેપારી સાથે બીભત્સ ચેનચાળા અને શારીરિક નિકટતા કેળવવાનું શરૂ કર્યું હતું. આ જ ક્ષણે પૂર્વઆયોજિત કાવતરા મુજબ ગેંગના અન્ય પુરુષ સભ્યો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ મહિલાના ભાઈ, પતિ કે પિતા તરીકે આપી વેપારી સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.
બ્લેકમેલિંગ અને 1.50 લાખની પડામણી
આરોપીઓએ વેપારીને ડરાવતા કહ્યું કે, "તેં અમારી બહેન સાથે છેડતી કરી છે, હવે તારી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવીશું." આબરૂ જવાની બીકે ગભરાયેલા વેપારી પાસે આરોપીઓએ લાખો રૂપિયાની માંગણી કરી હતી. અંતે, દોઢ લાખ રૂપિયામાં 'સેટિંગ' થતા વેપારીએ રોકડ રકમ ચૂકવી છૂટકારો મેળવ્યો હતો. શરૂઆતમાં વેપારીએ ડરના કારણે પોલીસનો સંપર્ક કર્યો ન હતો, પરંતુ જામકંડોરણા પોલીસની કાર્યવાહી બાદ તેમણે હિંમત કરી જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઝડપાયેલા આરોપીઓ અને તેમનો ગુનાહિત ઇતિહાસ
રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસે આ ગેંગના મુખ્ય સાત સાગરીતોની ધરપકડ કરી છે, જેમાં:
જાનવી પંચોલી (મુખ્ય મહિલા આરોપી - અગાઉ જૂનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં પણ હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલી છે)
પૂજા સિદ્ધપુરા
ગોપાલ સિદ્ધપુરા
વિપુલ સુસરા (જેની સામે અગાઉ 3 ગુના નોંધાયેલા છે)
સવજી ઉર્ફે સાગર ઠુંગા
વિશાલ પરમાર
વિજય જોગડીયા
અન્ય ફરાર આરોપીઓની શોધખોળ
પોલીસ હાલ આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલ ડેટા અને CDR તપાસતા સેંકડો લોકોના નંબર મળી આવ્યા છે, જે સૂચવે છે કે આ ગેંગનો શિકાર બનેલા લોકોની સંખ્યા ઘણી મોટી હોઈ શકે છે.
મોડેસ ઓપરેન્ડી: શા માટે આધેડ વેપારીઓ જ ટાર્ગેટ?
પોલીસની પૂછપરછમાં આરોપીઓની ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે. આ ટોળકી માત્ર એવા લોકોને જ ટાર્ગેટ કરતી હતી જેઓ સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા હોય અને આબરૂ જવાના બીકે પોલીસ પાસે ન જાય.
સિલેક્ટેડ ટાર્ગેટ: તેઓ આધેડ વયના વેપારીઓ અને સિનિયર સિટિઝનને જ જાળમાં ફસાવતા હતા.
કોને છોડી દેતા?: જો કોઈ પોલીસકર્મી, વકીલ કે રાજનેતા ભૂલથી તેમની જાળમાં ફસાઈ જાય, તો ગેંગના સભ્યો તેમને તરત છોડી દેતા હતા, કારણ કે તેમને ખબર હતી કે આ લોકો સામે પડવાથી તેઓ કાયદાકીય ગુંચમાં ફસાઈ શકે છે.
ટુ-વ્હિલર કે ફોર-વ્હિલર?: જો કોઈ શખ્સ ટુ-વ્હિલર લઈને મળવા આવે તો મહિલા મળવાનું ટાળી દેતી હતી, કારણ કે તેમનો પ્લાન વેપારીની જ ફોર-વ્હિલરમાં બેસીને અવાવરું જગ્યાએ જવાનો રહેતો હતો.
પોલીસની અપીલ: ઓળખ ગુપ્ત રહેશે, ગભરાશો નહીં
જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જનતાને અપીલ કરી છે કે, "જો કોઈ પણ વ્યક્તિ આ ગેંગનો ભોગ બન્યો હોય, તો તેઓ ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરે. ભોગ બનનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ખાતરી પોલીસ વિભાગ આપે છે." પોલીસ માને છે કે જો વધુ લોકો સામે આવશે, તો આ ગેંગ સામે મજબૂત પુરાવાઓ એકત્ર કરી શકાશે અને તેમને કડકમાં કડક સજા અપાવી શકાશે. અત્યારે રાજકોટ અને જેતપુર પોલીસ સંયુક્ત રીતે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ સોર્સીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ રહી છે.








