Rajkot Drainage Accident: રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રોડ પર ઊંચી છોડી દેવાયેલી ડ્રેનેજની કુંડી એક પરિવાર માટે કાળ બની હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં મિતાલીબેન કેસરિયાનું અઢી મહિના સુધી સારવાર બાદ હેમરેજના કારણે મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને રઘુવંશી સમાજે આજે ન્યાયની માંગ સાથે ત્રિકોણબાગથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી કાઢી હતી. આ દરમિયાન સૌની આંખો ભીની થઈ ગઈ, જ્યારે મૃતકનાં માતા અંજનાબેન ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. સૌથી હૃદયદ્રાવક દૃશ્ય ત્યારે જોવા મળ્યું, જ્યારે માતાની મમતા ગુમાવનાર માસૂમ બાળકના હાથે મનપાના નાયબ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
'મારી દીકરીને ન્યાય મળે, બીજી કોઈની દીકરી સાથે આવું ન થાય'
મૃતક મિતાલીબેનનાં માતા અંજનાબેને રડતાં-રડતાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “મિતાલી મારી દીકરી છે. સરકાર આવી બેદરકારી બીજા કોઈની દીકરી સાથે ન કરે અને મારી દીકરીને ન્યાય મળે એ જ અમારી માંગણી છે. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.” તેમણે ઘટનાની વિગતો આપતાં જણાવ્યું કે, સાતમ-આઠમના તહેવાર દરમિયાન રાત્રે બાળક સૂઈ ગયું હોવાથી તેમની દીકરી અને જમાઈ બહાર જમવા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન રસ્તા પર આવેલી કુંડીના કારણે અકસ્માત સર્જાયો હતો. મિતાલીબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યાં મોટી કુંડી હતી ત્યાં કોઈ બેનર કે ડાયવર્ઝનનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું નહોતું. અંજનાબેને વધુમાં કહ્યું કે, “મારા પૌત્ર માટે મારે ન્યાય જોઈએ છે. મારી દીકરી સાથે આ થઈ ગયું છે. જમાઈ હજુ નાના છે, ત્યારે બાળકનું ભવિષ્ય સુરક્ષિત થાય તે જરૂરી છે. ગઈકાલે બાળકનો પ્રથમ જન્મદિવસ હતો અને તે પોતાની માતાને યાદ કરતો હતો. મનપા લોકો પાસેથી પૂરો ટેક્સ વસૂલે છે, પરંતુ સુવિધા આપતી નથી. મારી દીકરી અઢી મહિના સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી, છતાં મનપાનો એક પણ અધિકારી તેને જોવા આવ્યો નહોતો.”

રઘુવંશી સમાજે કહ્યું, 'આ મોતની કુંડી છે'
રઘુવંશી યુવા શક્તિ સંઘના આગેવાને જણાવ્યું હતું કે, 6 સપ્ટેમ્બરના રોજ સમાજનાં મિતાલીબેન કેસરિયા 150 ફૂટ રિંગ રોડ પર ઘંટેશ્વર પાર્ક પાસે આવેલી કુંડી સાથે અથડાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. આ ઘટનામાં મનપા તંત્રની સ્પષ્ટ બેદરકારી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વોર્ડ નંબર-1ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ એજન્સીને જવાબદાર ગણાવી હતી. જોકે, તંત્ર દ્વારા હજુ સુધી જવાબદાર વ્યક્તિઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં નથી. સમાજે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નાયબ કમિશનરે શું કહ્યું?
મહાનગરપાલિકાના નાયબ કમિશનરે જણાવ્યું હતું કે, એસઆરપી કેમ્પથી રિંગ રોડ-2ને જોડતા રસ્તા પર દંપતીનો અકસ્માત થયો હતો, જેમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. તેમણે કહ્યું કે, આ મામલે કોન્ટ્રાક્ટર, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી અને સાઇટ પર દેખરેખ રાખવાની જવાબદારી ધરાવતા મનપાના સ્ટાફની ભૂમિકા તપાસવામાં આવશે. ડ્રેનેજનું ઢાંકણું રોડની સપાટી પર હોત તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકી હોત, પરંતુ આ ઢાંકણું ડામરની નીચે હતું. તેમ છતાં કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
શું હતી સમગ્ર ઘટના?
ગત 6 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા ડી.પી. રોડ પર ગ્રીન લીફ ગાર્ડનના ગેટ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સ્થળે ડામર રોડની બાજુમાં ભૂગર્ભ ગટરની કોંક્રિટની કુંડી એટલે કે ડ્રેનેજ ચેમ્બર રોડના લેવલથી ઊંચી રાખવામાં આવી હતી. રસ્તાની બાજુમાં જોખમી રીતે બહાર નીકળેલી આ કુંડી સાથે ટુ-વ્હીલર અથડાતાં મિતાલીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે, અઢી મહિના સુધી જીવન માટે સંઘર્ષ કર્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું.
બે એજન્સીને શોકોઝ નોટિસ ફટકારાઈ
આ અકસ્માત બાદ રાજકોટ મનપાના વેસ્ટ ઝોન સિટી ઇજનેર દ્વારા સંબંધિત બે એજન્સીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ, એજન્સી દ્વારા મંજૂર થયેલા ડી.પી. રોડના સંપૂર્ણ કેરેજ વેને બદલે ઘટાડેલા કેરેજ વે સાથે રસ્તો બનાવવામાં આવ્યો હતો અને તેને આશરે 4 મીટરના હયાત ડામર રોડ સાથે જોડવામાં આવ્યો હતો. તંત્રના પ્રાથમિક તારણ મુજબ, અકસ્માત સ્થળે સલામતીની જવાબદારીઓ પૂરતા પ્રમાણમાં નિભાવવામાં આવી ન હોવાનું જણાયું છે. આ મામલે પવન કન્સ્ટ્રક્શન અને એસ.આર.ડી. એજન્સીને દસ્તાવેજી પુરાવા સાથે શોકોઝ નોટિસ પાઠવી લેખિત ખુલાસો રજૂ કરવા જણાવાયું છે. બંને એજન્સીઓની વિગતોની તપાસ કર્યા બાદ મનપા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.








