Rajkot Dominos Fly in Pizza: રાજકોટ શહેરમાં ખાણીપીણીના શોખીનો માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સેટેલાઈટ ચોક પાસે આવેલા પ્રખ્યાત 'ડોમિનોઝ પિઝા' (Domino's Pizza) આઉટલેટમાં પિઝામાંથી માખી નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગ્રાહકના જણાવ્યા મુજબ પિઝા બનાવતી વખતે જ તેમાં માખી શેકાઈને મેલ્ટ થઈ ગઈ હતી, જ્યારે સ્ટોર સંચાલકે પોતાની બેદરકારી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઓર્ડર કરેલા પિઝાના ટુકડામાંથી નીકળી માખી
મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે એક યુવક સેટેલાઈટ ચોક સ્થિત ડોમિનોઝ આઉટલેટ પર ગયો હતો અને તેણે પિઝાનો ઓર્ડર આપ્યો હતો. પિઝા સર્વ થયા બાદ જ્યારે યુવકે ખાવાનું શરૂ કર્યું ત્યારે એક પીસ પર તેને માખી ચોંટેલી નજરે પડી હતી. ગ્રાહકે તાત્કાલિક આ બાબતે સ્ટોર મેનેજરને ફરિયાદ કરી હતી.
સ્ટોર મેનેજરનો બચાવ અને ગ્રાહકનો વાંધો
ફરિયાદ મળતાં જ આઉટલેટના કર્મચારીઓ અને મેનેજરે એવો બચાવ કર્યો હતો કે, પિઝા તૈયાર થઈને ટેબલ પર આવ્યા બાદ ઉપરથી માંખી પડી હશે. જોકે, ગ્રાહકે સ્થળ પર જ વીડિયો બનાવીને બતાવ્યું હતું કે, માખી ચીઝ અને કણક સાથે મેલ્ટ (ઓગળી/શેકાઈ) ગયેલી સ્થિતિમાં હતી. આ પરથી સ્પષ્ટ થતું હતું કે, પિઝા બેકિંગ (બનાવતી) વખતે જ અસ્વચ્છતાના કારણે માખી અંદર ભળી ગઈ હતી.
આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીનું નિવેદન
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "હજુ સુધી આ મામલે મનપાના આરોગ્ય વિભાગને કોઈ લેખિત કે સત્તાવાર ફરિયાદ મળી નથી. જો ગ્રાહક કે નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો વાયરલ વીડિયો અને આઉટલેટની તપાસ કરીને નિયમાનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે." રાજકોટ મનપાનો આરોગ્ય વિભાગ અવારનવાર નામાંકિત બ્રાન્ડ્સ અને રેસ્ટોરન્ટ્સમાં દરોડા પાડીને વાસી ખોરાક કે અસ્વચ્છતા બદલ દંડ અને સીલ કરવાની કાર્યવાહી કરે છે. ભૂતકાળમાં પણ મલ્ટીનેશનલ બ્રાન્ડ્સના આઉટલેટ્સમાંથી અસ્વચ્છ ખોરાક મળી આવ્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જો કોઈ ગ્રાહકને ખાણીપીણીની વસ્તુમાંથી અસ્વચ્છતા કે ભેળસેળ જોવા મળે, તો તેઓ FSSAI ની 'Smart Consumer' એપ અથવા સ્થાનિક મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરને સીધી જ લેખિત ફરિયાદ નોંધાવી શકે છે.








