Gujarat Education Minister Pradyumn Vaja Admitted: ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની તબિયત લથડતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડતા તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં હૃદયની નળીમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે. તબીબોએ સફળતાપૂર્વક એન્જિયોપ્લાસ્ટી કરી એક સ્ટેન્ટ મૂક્યું છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
જાહેર કાર્યક્રમ બાદ અચાનક તબિયત બગડી
ઘટનાની વિગતો મુજબ, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા શુક્રવારે સાંજે 5.30 વાગ્યા સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત એક સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના નવા ભવન, સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણ સમારોહમાં તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મંચ પર બિરાજમાન હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અચાનક જ તેમને અસ્વસ્થતા અનુભવાઈ હતી અને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો.
તપાસમાં બ્લોકેજ જણાયું
તબિયત બગડતા જ તેમને સીધા અસારવા સ્થિત સિવિલ મેડિસિટીમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં કાર્ડિયોલોજિસ્ટ્સ દ્વારા તાત્કાલિક તેમનું ચેકઅપ અને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. રિપોર્ટમાં હૃદયની એક નળીમાં બ્લોકેજ હોવાનું નિદાન થતા તબીબોએ વિલંબ કર્યા વગર એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મૂકવાનો નિર્ણય લીધો હતો. હાલમાં તેઓ હોસ્પિટલના આઈસીયુ (ICU) વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમયસર સારવાર મળી જવાથી મોટી જાનહાનિ ટળી છે અને મંત્રી હવે જોખમ બહાર છે.
ડોક્ટરથી મંત્રી સુધીની સફર
ડો. પ્રદ્યુમન વાજા પોતે તબીબી પૃષ્ઠભૂમિ ધરાવે છે. મૂળ અમદાવાદના વતની એવા ડો. વાજાએ 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી MBBS, DGO અને MDની ડિગ્રી મેળવી હતી. તબીબી ક્ષેત્રે સેવા આપ્યા બાદ તેમણે કાયદાનો અભ્યાસ પણ કર્યો અને 2022માં LLB અને LLMની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ સક્રિય રાજકારણમાં જોડાયા હતા. તેમના પત્ની પણ વ્યવસાયે ડોક્ટર છે.
રાજકીય કારકિર્દી અને શિક્ષણ મંત્રી તરીકેનો પદભાર
ડો. પ્રદ્યુમન વાજા ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રના એક જાણીતા અનુસૂચિત જાતિ (SC) ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર (SC અનામત) બેઠક પરથી ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર મહેશ મકવાણાને 19,386 મતોના માર્જિનથી હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો.
રાજકીય અગ્રણીઓ અને સમર્થકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા
તેમની શૈક્ષણિક લાયકાત અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને રાખીને, ઓક્ટોબર 2025માં રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ સમયે તેમને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. આ અગાઉ તેઓ પ્રદેશ ભાજપ SC મોર્ચાના પ્રમુખ તરીકે પણ સફળ કામગીરી કરી ચૂક્યા છે. હાલમાં તેઓ શિક્ષણ વિભાગની સાથે સામાજિક ન્યાય અને અધિકારિતા ખાતાનો કાર્યભાર પણ સંભાળી રહ્યા છે. મંત્રીની તબિયત બગડ્યાના સમાચાર મળતા જ અનેક રાજકીય અગ્રણીઓ અને સમર્થકો યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.








