Dangerous Stunts for Social Media Likes: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર લાઈક્સ, વિઝ્યુઝ અને ફોલોઅર્સ મેળવવાની ઘેલછામાં યુવાનો પોતાના અને અન્યોના જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 24 વર્ષીય યુવકે પોતાની લક્ઝ્યુરિયસ પોર્શ કાર જાહેર રસ્તાઓ પર 100થી વધુની બેફામ ઝડપે દોડાવીને વિડિયો ઉતારી ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો. આ ઘટના બાદ શહેર પોલીસે લાલ આંખ કરીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય વાહનચાલકના ડેશકેમમાં કેદ થઈ કારની બેફામ સ્પીડ
આ સમગ્ર ઘટના 22 ઓગસ્ટના રોજ ઘટી હતી. શ્રેયાંશ નામનો એક વાહનચાલક HCG હોસ્પિટલથી લો ગાર્ડન તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક પાછળથી પૂરઝડપે આવેલી પોર્શ કારે અત્યંત જોખમી રીતે ઓવરટેક કર્યો હતો. અકસ્માત થતાં થતાં રહી જતાં શ્રેયાંશ ડરી ગયા હતા. સદનસીબે તેમની કારના ડેશકેમમાં આ ઘટના કેદ થઈ ગઈ હતી. આ વિડિયો પુરાવા તરીકે રજૂ કરી તેમણે પોલીસમાં અરજી કરી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થતાં જ નવરંગપુરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.
પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ
અરજી દાખલ થયા બાદ પોર્શ કાર ચલાવનાર યુવકે અરજદાર શ્રેયાંશનો સંપર્ક સાધ્યો હતો. તેણે પોતાની ઓળખ પાયલોટ તરીકે આપી હતી અને સ્વીકાર્યું હતું કે તે સમયે કાર 110ની સ્પીડે ચાલતી હતી. તેણે પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ પણ કર્યું હતું. તપાસ દરમિયાન આ જ પોર્શ કાર 300ની સ્પીડે દોડતી હોવાનો અન્ય એક વિડિયો પણ સામે આવ્યો છે, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
CCTV અને સર્વેલન્સથી ગણતરીના કલાકોમાં જ ગાડી સાથે આરોપીની અટકાયત
નવરંગપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ અને લો ગાર્ડન પોલીસ ચોકીની ટીમે ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજ ચકાસીને વિડિયો વાયરલ કરનાર ચાલકની ઓળખ મેળવી હતી. ચાલક ગાંધીનગર જિલ્લાના લિંબડીયા વિસ્તારમાં રહેતો મોહમ્મદ અકરન હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ મોહમ્મદ અકરનની અટકાયત કરી તેને પોર્શ કાર સાથે પોલીસ મથકે બોલાવ્યો હતો.
BNS અને મોટર વાહન કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી
અમદાવાદ પોલીસે જાહેર રસ્તાઓ પર અસામાજિક અને જોખમી રીતે વાહન ચલાવનારાઓ સામે સખત વલણ અપનાવ્યું છે. પોલીસે મોહમ્મદ અકરન સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ મોટર વાહન કાયદા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, સ્ટંટબાજીમાં વપરાયેલી મોંઘીદાટ પોર્શ કાર પણ જપ્ત કરવામાં આવી છે.








