Father-Daughter Abuse Case: પોરબંદરમાં 17 વર્ષની સગીરા પર તેના જ પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ નોંધાયા બાદ આરોપી પિતાએ પત્નીની સહમતીથી ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરી હતી. જોકે, સુનાવણી દરમિયાન સગીરાના ગર્ભનો DNA રિપોર્ટ પિતા સાથે મેચ થતાં હાઈકોર્ટનો આક્રોશ સામે આવ્યો હતો. કોર્ટે પીડિતાની માતાને આકરા શબ્દોમાં ફટકાર લગાવી હતી અને અરજદાર તથા ફરિયાદી પક્ષના વકીલોને પણ પૈસા માટે કોઈપણ કામ ન કરવાની ટકોર કરી હતી.
17 વર્ષીય સગીરા પર પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
ચાલુ વર્ષે પોરબંદરના મરીન પોલીસ મથકમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ જ તેમની 17 વર્ષીય સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પત્નીની સહમતીથી ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં અરજી
આરોપી પિતાએ પોતાની પત્નીની સહમતીથી ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી દાખલ કરી હતી. એટલું જ નહીં, મહિલાએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની જ નથી. જોકે, સુનાવણી દરમિયાન પોલીસે સગીરાના ગર્ભનો DNA રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ગર્ભના DNA આરોપી પિતા સાથે મેચ થયા હતા. આ વૈજ્ઞાનિક પુરાવા સામે આવતાં હાઈકોર્ટે સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યું હતું.
‘તમારા જેવી માતા હોય એના કરતાં ન હોય એ સારું’
હાઈકોર્ટે ફરિયાદી માતાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે આ કેસમાં તો ફરિયાદી મહિલા સામે જ ફરિયાદ નોંધવાની જરૂર છે. કોર્ટે વધુમાં ટકોર કરી હતી કે, ‘દીકરીને તમારા જેવી માતા હોય એના કરતાં તો તેની માતા જ ન હોય એ વધારે સારું.’ માત્ર માતા જ નહીં, પરંતુ અરજદાર અને ફરિયાદી પક્ષે હાજર રહેલા વકીલોને પણ કોર્ટે ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, ‘ફક્ત પૈસા મેળવવા માટે કોઈપણ કામ કરાય નહીં.’ વકીલ તરીકે કેટલીક જવાબદારીઓનું પણ પાલન કરવું જરૂરી છે.
આરોપી સામે 16 ગુના નોંધાયેલા હોવાની રજૂઆત
સુનાવણી દરમિયાન અરજદાર અને ફરિયાદી પક્ષના વકીલોએ અરજી પરત ખેંચવા માટે અનેક રજૂઆતો કરી હતી. જોકે, હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ, સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી સામે કુલ 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તે ગુજસીટોક હેઠળના કેસમાં પણ આરોપી છે. આખરે અરજી ફગાવવામાં આવતાં ફરિયાદી માતા નીચું મોઢું કરીને ઝડપથી કોર્ટરૂમમાંથી બહાર નીકળી ગયાં હતાં.
અમદાવાદમાં માતા-પીડિતા ફરી ગયાં છતાં સાવકા પિતાને 20 વર્ષની સજા
આ જ પ્રકારના અન્ય એક કેસમાં અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકમાં 43 વર્ષીય આરોપી સામે ચાલુ વર્ષે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની પોક્સોની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. જજ એ.બી. ભટ્ટે સરકારી વકીલ કે.જી. જૈનની દલીલો, સાત સાહેદો અને 27 પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી. ટ્રાયલ દરમિયાન પીડિતા અને તેની માતા બંને પોતાનાં અગાઉનાં નિવેદનોથી ફરી ગયાં હતાં. માતાએ દાવો કર્યો હતો કે પતિ-પત્ની વચ્ચે ઘરેલુ ઝઘડા અને મારપીટ થતી હતી, જેના કારણે હેલ્પલાઈન બોલાવવામાં આવી હતી. બાળકી પણ કોર્ટમાં માત્ર માતા-પિતા વચ્ચેના ઝઘડાની વાત કરી હતી. જોકે, બંનેનાં નિવેદનો બદલાયા હોવા છતાં કોર્ટે વૈજ્ઞાનિક પુરાવા સહિત અન્ય પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી.








