Banaskantha Police Seizes Foreign Liquor: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે પોલીસ દ્વારા સમયાંતરે બુટલેગરોના નાપાક કાર્યો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાંથી વિદેશી દારૂનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાઈ આવ્યો છે. થરાદ પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી સઘન તપાસ દરમિયાન રાજસ્થાન સરહદે આવેલા પંથકમાંથી લાખો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત નશીલો સામાન ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ બેડામાં અને પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
સાંચોર તરફથી આવતા કન્ટેનરમાંથી મળી આવી 60,444 વિદેશી દારૂની બોટલો
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજસ્થાનના સાંચોર તરફથી એક શંકાસ્પદ કન્ટેનર ગુજરાતની હદમાં પ્રવેશી રહ્યું હોવાની ચોક્કસ બાતમી થરાદ પોલીસને મળી હતી. આ બાતમીના આધારે થરાદની ખોડા ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. જ્યારે તે કન્ટેનર ચેકપોસ્ટ પર પહોંચ્યું ત્યારે તેને રોકીને તલાશી લેવામાં આવી હતી. કન્ટેનરની અંદર તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાં વિદેશી દારૂની કુલ 60,444 બોટલો છુપાવવામાં આવી હતી. બુટલેગરો દ્વારા પોલીસની નજરથી બચવા માટે અવનવી યુક્તિઓ અપનાવીને આ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો.
રૂ. 2.98 કરોડના દારૂ સહિત કુલ રૂ. 3.28 કરોડનો મુદ્દામાલ જપ્ત
થરાદ પોલીસે ઝડપી પાડેલા આ વિદેશી દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે રૂ. 2,98,58,352 આંકવામાં આવી છે. આ જથ્થા ઉપરાંત પોલીસે ત્રણ નંગ મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 17,000 તથા ગુનામાં વપરાયેલું કન્ટેનર ટ્રેલર જેની કિંમત અંદાજે રૂ. 30 લાખ થાય છે, તે તમામ મળીને કુલ રૂ. 3,28,75,385નો સંદિગ્ધ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને કાયદાનું પાલન કરાવવા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક હોવાનું સાબિત થયું છે.
કન્ટેનર ચાલક ઝડપાયો, અન્ય એક સગીર વયનો શખ્સ પણ સંડોવાયેલ
આ ગંભીર ગુનામાં પોલીસે કન્ટેનરના ચાલક જગતારસિંઘ નછતર સિંઘ શકદેવસિંઘ મડેરે (ઉં.વ.33, રહે. તપામંડી, બારનાલા, પંજાબ) ની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત કન્ટેનરમાં તેની સાથે રહેલો ક્લીનર પણ પકડાયો છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર વયનો હોવાથી તેની ઓળખ અને વિગતો પોલીસ દ્વારા ગુપ્ત રાખવામાં આવી છે. થરાદ પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધીને આંતરરાજ્ય સ્તરે ફેલાયેલા આ દારૂના નેટવર્ક અને તેના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.








