PM Narendra Modi Gandhinagar Lok Bhavan meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીનગર પ્રવાસ દરમિયાન ગત રાત્રે ગુજરાતના રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજ્યના મંત્રીમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જે મોડી રાત્રે 11.10 વાગ્યા સુધી ચાલી હતી. આ મેરેથોન બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ રાજ્યના તમામ મંત્રીઓ સાથે અનૌપચારિક માહોલમાં ડિનર લીધું હતું અને વિકાસલક્ષી કામગીરી અંગે સીધો સંવાદ કર્યો હતો.
દીવ-દમણ પાસિંગની બ્લેક ડિફેન્ડર કારની એન્ટ્રીથી ચર્ચા જાગી
ગાંધીનગરના લોકભવન ખાતે વડાપ્રધાનની બેઠક અને રાત્રિ રોકાણને પગલે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો અને આસપાસના માર્ગો પર સામાન્ય અવરજવર બંધ કરી કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે, આ કડક પહેરા વચ્ચે રાત્રે ખાસ VVIP મૂવમેન્ટ જોવા મળી હતી. રાત્રે 10 વાગ્યે એક રેન્જ રોવર અને ઇનોવા કાર લોકભવનમાં પ્રવેશી હતી, જેને સુરક્ષાકર્મીઓએ કોઈ ખાસ પૂછપરછ વિના પ્રવેશ આપ્યો હતો. ત્યારબાદ રાત્રે 10.50 વાગ્યે દીવ-દમણ પાસિંગની એક બ્લેક કલરની લક્ઝુરિયસ ડિફેન્ડર કાર આવી હતી, જેને સામાન્ય પૂછપરછ બાદ અંદર જવા દેવાતા રાજકીય વર્તુળોમાં કૌતૂહલ સર્જાયું હતું. બીજી તરફ, બેઠક પૂર્ણ થયા બાદ રાત્રે 11.30 વાગ્યે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતાની કારમાં ડ્રાઇવર સાથે એકલા જ લોકભવનની બહાર નીકળતા જોવા મળ્યા હતા.
આજે સવારે લોકભવનમાં સંસ્કારધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે PM મોદીનું વિશેષ મંથન
વડાપ્રધાન મોદીએ આજે સવારે લોકભવન ખાતે જ 'સંસ્કારધામ ટ્રસ્ટ'ની એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે, જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ RSSના તેમના માર્ગદર્શક અને ગુરુ સ્વ. વકીલ સાહેબ (લક્ષ્મણરાવ ઇનામદાર)ની સ્મૃતિમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્કારધામની શરૂઆત કરી હતી. આજની બેઠકમાં સંસ્થા દ્વારા આગામી દિવસોમાં હાથ ધરાનારા શૈક્ષણિક પ્રોજેક્ટ્સ અને વિકાસલક્ષી આયોજનો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.
દિલ્હી પરત ફરતા પહેલાં અમદાવાદ એરપોર્ટ પર ભાજપના 'જૂના જોગીઓ' સાથે મુલાકાત
નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12.25 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે. દિલ્હી પરત ફરતા પહેલાં તેઓ એરપોર્ટ પર ભાજપના જૂના અને પીઢ નેતાઓ સાથે ટૂંકી મુલાકાત કરશે. આ નેતાઓમાં પૂર્વ મંત્રી કૌશિક પટેલ, ગોરધન ઝડફિયા, વલ્લભ કાકડિયા, પૂર્વ સાંસદ ડૉ. કિરીટ સોલંકી, પૂર્વ ધારાસભ્ય રાકેશ શાહ, ભૂષણ ભટ્ટ, બલરામ થવાણી, નિર્મલા વાઘવાણી, અમદાવાદના મેયર હિતેશ બારોટ, ધર્મેન્દ્ર શાહ, નરેશ વ્યાસ અને જીતુ વાઘેલા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. અગાઉ 13 નવેમ્બરની રાત્રે 08.15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન સમયે પણ PM મોદીએ પૂર્વ સાંસદ હરિન પાઠક, પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર, ગીતાબેન, ભરત બારોટ અને અરવિંદ પટેલને મળીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
વિશેષ અને વધારાની માહિતી
132 દિવસ બાદ કેબિનેટ સાથે સીધો સંવાદ: નોંધનીય છે કે અગાઉ 4 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક કર્યા બાદ બરાબર 132 દિવસ પછી વડાપ્રધાને ફરી મંત્રીઓ સાથે બેઠક યોજી છે. જેમાં સરકારના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા અને આગામી લક્ષ્યાંકો અંગે માર્ગદર્શન અપાયું હોવાનું મનાય છે.
સંસ્કારધામ સંસ્થાનું મહત્વ: અમદાવાદ નજીક બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલું સંસ્કારધામ એ ગુજરાતની અગ્રણી શૈક્ષણિક અને સામાજિક સંસ્થા છે, જેની સાથે વડાપ્રધાન મોદી વર્ષોથી ભાવનાત્મક રીતે જોડાયેલા છે.








